મોરબી : સોસાયટીના લોકો દુર્ગંધયુક્ત પાણી વચ્ચે રહેવા મજબુર

- text


મોરબી : આ ચોમાસામાં આવેલા પ્રાથમિક વરસાદ બાદ મોરબી શહેરની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ઠેર ઠેર પાણીના ખાબોચિયા અને ગંદકી વચ્ચે રહેવા લોકો મજબુર બન્યા છે ત્યારે ઘણી સોસાયટીઓ તો અત્યંત દયનિય હાલતમાં છે ત્યારે રવાપર-ધુનડા રોડ સ્થિત કૃપા સોસાયટીઓના રહેવાસીઓની સ્થિતિ કફોડી થઈ હોવાનું સામે આવ્યું છે.

ઘણી વખત તસ્વીરો જ બધું બયાન કરી દેતી હોય છે. ત્યારે રવાપર-ધુનડા રોડ સ્થિત આવેલી કૃપા સોસાયટીમાં છેલ્લા 25 દિવસથી ગોપાલ એપાર્ટમેન્ટ અને આસોપાલવ એપાર્ટમેન્ટ નજીક ભરાયેલા દુર્ગંધયુક્ત પાણી ભરાયા હોવાની તસ્વીર સામે આવતા નરોધળ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બન્ને એપાર્ટમેન્ટના 28+24 થઈને 52 ફ્લેટ ધારકોને એપાર્ટમેન્ટમાંથી બહાર પગ મુકવો દુષ્કર બને એ હદે ત્યાં પાણી ભરાઈ ગયા છે. એક તરફ આ મહામારીના સમયમાં આરોગ્ય તંત્ર લોકોને સ્વચ્છતા જાળવવાની સુફિયાણી સલાહો આપે છે ત્યારે વરસાદને લઈને ઉભી થયેલી પાણી ભરાવવાની સમસ્યાને લઈને તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવી છે.

- text

અત્યારે ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો છે. ઋતુગત બીમારી આમ પણ આ ઋતુમાં જયારે વધારે જોવા મળતી હોય છે ત્યારે તંત્રની ઉદાસીનતાને લઈને હાલ તો આ વિસ્તારના 52 પરિવારો મોટા રોગચાળાની આશંકાને લઈને ભયના ઓથાર નીચે જીવવા મજબુર બન્યા છે. હવે જોવું રહ્યું કે નગરપાલિકા આ વિસ્તારની આરોગ્ય સુરક્ષા માટે કાર્યરત થાય છે કે નિર્માણ થયેલી પરિસ્થિતિ ભગવાન ભરોસે છોડે છે.

- text