મોરબીના 6 પરપ્રાંતીય શ્રમિકોએ એક ખાતામાં જમા કરેલા રૂ. 1.54 લાખ એકાએક ઉપડી ગયા!!

- text


લોકડાઉનની પરિસ્થિતિમાં રાજસ્થાનના શ્રમિકો કપરી પરિસ્થિતિમાં મુકાયા : એસપીને અરજી, મદદ માટે અપીલ

મોરબી : મોરબીમાં વસતા 6 પરપ્રાંતીય મજૂરોએ પોતાના પરસેવાના પૈસા બેંકના એક ખાતામાં જમા કરાવ્યા બાદ આ ખાતામાંથી એકાએક રૂ. 1.54 લાખ ઉપડી જતા આ મજૂરો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. માટે તેઓએ એસપીને અરજી કરીને તેઓને મદદ કરવા માટે અપીલ કરી છે.

મોરબીના લાલપરમાં રહીને મજૂરી કામ કરતા નરપતસિંગ રામસિંગે જણાવ્યું છે કે તેઓ કુલ 6 શ્રમિકો સાથે કામ કરે છે. તેઓ મૂળ રાજસ્થાનના છે. પરિવાર ત્યાં સ્થાયી છે. તમામ શ્રમિકોએ આઇસીઆઇસીઆઈ બેંકના એક ખાતામાં તેઓના 1.65 લાખ રૂપિયા રાખ્યા હતા. લોકડાઉન દરમિયાન ગત તા. 29ના રોજ તેઓ નેટ બેન્કિંગ ચાલુ કરવા માટે કસ્ટમર કેર સાથે વાત કરી રહ્યા હતા. તે વેળાએ તેઓનો કોલ કટ થઈ ગયા બાદ એક પ્રાઇવેટ નંબર ઉપરથી કોલ આવ્યો હતો.

- text

જેમાં સામેની વ્યક્તિએ પોતાનું નામ અમિત મિશ્રા બતાવીને પોતે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી બોલતો હોવાનું કહ્યું હતું. તેને નેટ બેન્કિંગ માટે ખાતાની બધી વિગતો માંગી હતી અને તેને વિગતો આપ્યા બાદ ખાતામાંથી 1999 કટ થવા લાગ્યા હતા. અને અંતમાં ખાતામાં માત્ર રૂ. 9 હજાર જ બચ્યા હતા. આમ આ બેંક ખાતામાંથી રૂ. 1.54 લાખ કટ થઈ ગયા છે.

વધુમાં નરપતસિંગે કહ્યું કે હાલ લોકડાઉનની સ્થિતિ છે. તેઓ અને તેઓના સાથીદારોનેએ પરસેવો પાડીને એકત્ર કરેલા રૂ. 1.54 લાખ ફ્રોડમાં ગુમાવવા પડ્યા છે. તેઓ ઉપર આવી પડેલા આર્થિક સંકટના કારણે તેઓએ અને તેઓના સાથીઓએ તંત્ર સમક્ષ પોતાના વતન રાજસ્થાન પરત જવાની મંજૂરી પણ માંગી છે. પરંતુ તેઓને મંજૂરી મળી નથી માટે તેઓ કપરી સ્થિતિમાં મુકાયા છે.

ઓનલાઇન ફ્રોડના આવા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે ‘મોરબી અપડેટ’ તમામ જિલ્લાવાસીઓને એવી અપીલ કરે છે કે કોઈ પણ વ્યક્તિને ફોન ઉપર પોતાના બેંક એકાઉન્ટની વિગત આપવી નહિ. જેથી આ પ્રકારના ઓનલાઇન ફ્રોડનો શિકાર થતા બચી શકીએ.

- text