રાજકોટ ટ્રાફિક શાખાની ગંભીર ભૂલથી મોરબીના વાહનચાલકોને આવી રહ્યા છે ખોટા મેમો

- text


રોજના ચારથી પાંચ વાહન ચાલકોને આવતા ખોટા ઇ-મેમો : ખોટા ઇ-મેમોનો ભોગ બનનાર વાહન ચાલકોમાં ભારે રોષ : વધુ એક બાઇક ચાલકે ખોટો મેમો આવતા ઊચ્ચકક્ષાએ રજુઆત કરી

મોરબી : રાજકોટ ટ્રાફિક શાખા ગંભીર છબરડા કરવા માહિર હોવાને કારણે મોરબીથી ક્યારેય રાજકોટ વાહન લઈને ન ગયા હોય તેવા નિર્દોષ લોકોને પણ ખોટા મેમો ફટકારવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબીના દરરોજ ચારથી વધુ વાહન ચાલકોને ખોટા મેમો આવે છે. અત્યાર સુધીમાં અસંખ્ય વાહન ચાલકોને ખોટા મેમો આવ્યા છે ત્યારે મોરબીના વધુ એક બાઇક ચાલકને રાજકોટના ટ્રાફિક ભંગનો ખોટો ઇ-મેમો આવતા તેણે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

રાજકોટ ટ્રાફિક શાખાની ગંભીર બેદરકારીના કારણે મોરબીના અનેક વાહન ચાલકોને ખોટા ઇ-મેમો આવ્યા છે. મોરબીના જે લોકોને અત્યાર સુધીમાં રાજકોટના ટ્રાફિક ભંગના ખોટા ઇ-મેમો આવ્યા છે, તે લોકો વાહન લઈને રાજકોટ ગયા જ નથી. આમ છતાં પણ એક-બે વાર નહિ અનેકવાર રાજકોટ ટ્રાફિક શાખાએ આવી ગંભીર ભૂલ કરી છે અને હજુ પણ આવી ગંભીર ભૂલો સુધારો કરવા રાજકોટ ટ્રાફિક શાખા ગંભીર બની નથી અને મોરબીના વધુ એક બાઇક ચાલકને ખોટો મેમો આવ્યો છે.

- text

રાજકોટ ટ્રાફિક શાખાની ગંભીર ભૂલનો ભોગ બનનાર મોરબીના બગથળા ગામના રાજન પ્રવીણભાઈ મેવાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રાજકોટને રજુઆત કરી છે કે તેમને જે મેમો મોકલવામાં આવ્યો છે. તેમાં ઇ-મેમોના ફોટામાં બાઇક નંબર જી.જે.3 સી.ડી.802 છે. જ્યારે તેમના બાઇક નંબર જી.જે.3 સી.એ.820 છે અને તેઓ આ બાઇક લઈને રાજકોટ કદી ગયા નથી. આથી, આ મેમો ખોટો છે. જો કે ભળતા બાઇક નંબરના કારણે આ ગંભીર ભૂલ થઈ હોવાની શક્યતા છે. તેથી, તેમણે આ ગંભીર ભૂલ સુધારી લેવાની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દરરોજ મોરબીના ચારથી વધુ લોકોને ખોટા મેમો આવે છે. એ લોકો રાજકોટ વાહન લઈને ગયા જ નથી હોતા તો ટ્રાફિક ભંગનો સવાલ ન નથી આવતો. તેમ છતાં ખોટા મેમો આવે છે અને સમસ્યા ઘણી ગંભીર છે. તેમજ મેમોમાં આપેલા હેલ્પલાઇન નંબર પણ કોઈ ઉપાડતું નથી. જેના કારણે લોકોને મેમો કેન્સલ કરવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, આ અંગે યોગ્ય પગલાં લેવાઈ તેવી લોકોમાં માંગ ઉઠી છે.

- text