બેંક લૂંટ કેસના આરોપીઓની પૂછપરછ માટે પંજાબ પોલીસે પણ મોરબી ધામા નાખ્યા

- text


ચાર લૂંટારુઓએ પંજાબમાં અનેક ગંભીર ગુનાઓ આચાર્યાનું ખુલતાં તેની તપાસ માટે પંજાબ પોલીસ મોરબી દોડી આવી સ્થનિક પોલીસ સાથે લૂંટારુઓની ઉલટ તપાસ હાથ ધરી

મોરબી : મોરબીની બેંક લૂંટ કેસમાં પકડાયેલા ચાર આરોપીઓ હાલ દસ દિવસના રિમાન્ડ હેઠળ છે. ત્યારે આ લૂંટારુઓએ પંજાબ સહિતના રાજ્યોના ખૂંખાર અપરાધીઓ હોવાનું અને 70થી વધુ ગુના આચાર્યા હોવાનું ખુલતાં એટીએસ અને પંજાબ પોલીસે આ તપાસ ઝંપલાવ્યું છે. જેમાં પંજાબના અનેક ગુનામાં ફરાર આ આરોપીઓની તપાસ માટે પંજાબ પોલીસની એક ટુકડી મોરબી આવી છે અને એલસીબી અને સ્થાનિક પોલીસ સાથે પંજાબ પોલીસે લૂંટારુઓની ઉલટ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ખુંખાર આરોપીઓ પાસેથી હથિયારો મળવા અંગે અને અમદાવાદ એટીએસની ટીમે પણ આરોપીઓ અંગે અને અન્ય જરૂરી વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ બૅંક ઓફ બરોડા અને દેના બૅંકની સંયુક્ત શાખામાં ગત તા. 20ના રોજ બપોરના 2-45 વાગ્યાની આસપાસ છ શખ્સો બંદૂક સાથે ત્રાટકી બંદૂકની અણીએ બેંકના કર્મચારીઓને બંધક બનાવીને બંને બેંકના કેશિયર પાસેથી રૂ. 6 લાખની રોકડ અને મોબાઈલ તેમજ સિક્યુરિટી મેનની બંદૂક પડાવીને આ છ આરોપીઓ સ્વીફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા. આ આરોપીઓ સ્વીફ્ટ કારમાં હળવદ તરફ નાસી રહ્યા હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ લૂંટારુઓની કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ગ્રામજનોની મદદથી હળવદના ચુપણી ગામ પાસેથી ચાર લૂંટારુઓને ઝડપી લીધા હતા. જ્યારે બે લૂંટારુઓ નાસી છૂટયા હતા. પોલીસે બેંક રોબરી કરનાર ચાર આરોપીઓ મનદીપસિંગ પાલસિંગ જટ ઉ.વ.29, બલબીરસિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ ઉ.વ.25, અરુણકુમાર શ્રીલાલચંદ મજબી ઉ.વ.30 તથા સંદીપસિંગ ઉર્ફે રવિ ગૃરુંમેલસિંગ ગુર્જર ઉ.વ.30 રહે ચારેય પંજાબ વાળાને પિસ્તોલ નંગ 6 ધાડમાં ગયેલી બાર બોરની બંદૂક, જીવતા કારતુસ નંગ 131 – રોકડા રૂ. 6.03 લાખ સ્વીફ્ટ કાર, 3 મોબાઈલ મળીને કુલ રૂ. 9.88 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને 11 દિવસના રિમાન્ડ પર લીધા છે.

- text

જ્યારે નાસી ગયેલા બે આરોપીઓ રણજીતસિંગ ઉર્ફે રાણો બલબીરસિંગ મજબી અને સોનુસિંગ સતનામ સિંગ જટ રહે પંજાબને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ લૂંટારુઓ પંજાબ સહિતના રાજ્યોમાં 50થી વધુ ગંભીર ગુના આચાર્યા હોવાનું બહાર આવતા એટીએસ અને પંજાબ પોલીસે આ કેસની તપાસમાં ઝાપલાવ્યું છે. જેમાં પંજાબ પોલીસની એક ટીમ આજે મોરબી તપાસ માટે દોડી આવી હતી. આ આરોપીઓ પંજાબમાં અનેક ગંભીર ગુના આચરી લાંબા સમયથી ફરાર હોવાથી આ કેસની વધુ તપાસ માટે પંજાબ પોલીસે મોરબી એલસીબી અને સ્થાનિક પોલીસની સાથે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત, એટીએસની ટિમ દ્વારા પણ આ ખુંખાર આરોપીઓ અંગેનો રિપોર્ટ મેળવી જરૂરી માહિતી મોરબી પોલીસ પાસેથી મેળવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

- text