મોરબીમાં વકરતી જતી ગુંડાગીરી નાથવા ધારાસભ્ય મેરજાની SPને અપીલ

- text


મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરતા જણાવ્યું છે કે મોરબી પંથકમાં વિવિધ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિને લીધે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. અસામાજિક તત્વો બેરોકટોક વેપારીઓ પાસેથી છાશવારે ખંડણી ઉઘરાવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તેમજ આ ગુનાઓ પકડવા માટે ઉપયોગમાં લેવાતા કેમેરા પણ હવે સલામત રહ્યા નથી. મોરબી શહેરમાં વ્યાપારીઓ પાસેથી પૈસા પડાવવા તેમજ જમીનો પડાવી લેવા જેવી પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી છે.

- text

જેમાં મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં યુવાન ગુમ થયાની ઘટના, વાંકાનેરના લુણસરની સીમમાં મારામારીની ઘટના, માળીયા (મી.)ના પીપળીયા ચાર રસ્તે ટ્રક ચોરીની ઘટના, ટંકારાના મિતાણાનાં બહુચરાજી મંદિરમાં ઘરેણાંની ચોરી, લીલાપર રોડ ઉપર રહેણાંક મકાનમાં દારૂ વેચાતો હોવાની ફરિયાદ, નવલખી બંદરે કોસ્ટ ગાર્ડ અને મરિન સર્ચની કામગીરીમાં સેવાતી ઉપેક્ષા, માળીયા (મી.)ના ખાખરેચી ગામે બેંકમાં ચોરી થવાની ઘટના, હળવદના ચરાડવા ગામે ગુરુકુળમાંથી રૂ. 1.50 લાખની ચોરીની ઘટના, મોરબીમાં વ્યાજખોરોના આતંકને લીધે તેમજ આર્થિક છેતરપિંડીની બનતી ઘટનાઓ, માળીયા (મી.)ના હરીપર પાસે દારૂની આધુનિક ભઠ્ઠી, મોરબી શહેરમાં લૂંટના ઇરાદે હુમલો, મોરબી તાલુકાની જાંબુડિયા શાળામાંથી તસ્કરો CCTV ચોરી ગયાની ઘટના, મોરબી શહેરમાંથી આર્થિક ઉઠાંતરીની વકરતી જતી ઘટનાઓ સહિતની અનેક ઘટનાઓ ચિંતાપ્રેરક છે.

આ બાબતે પોલીસની ધાક ગુંડાગીરી કરતા લોકો પર વર્તાય તેની તકેદારી જિલ્લા પોલીસ તંત્રએ સેવવી જોઈએ. તેવી અપીલ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાને કરી છે.

- text