મોરબીના મુઠ્ઠી ઉંચેરા કલાકાર મયુર બાપાનું ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક એવોર્ડમાં નોમિનેશન

- text


વોઇસ ઓફ રમેશ મહેતા અને મયુર બાપાના નામે જાણીતા મયુર પીઠડિયા જીવનની કઠીનાઈભરી પરિસ્થિતિ વચ્ચે અનેક ગુજરાતી ફિલ્મો, ટીવી સિરિયલ અને મ્યુઝિક આલ્બમ તથા યુ-ટ્યુબમાં અનેક કોમેડી એપિસોડમાં કામ કરી ચુક્યા છે.

મોરબી : સમગ્ર મોરબીવાસીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત સામે આવી છે. જેમાં મોરબીના મુઠી ઉંચેરા કલાકાર મયુર બાપાનું ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક એવોર્ડમાં નોમિનેશન કરવામાં આવ્યું છે. વોઇસ ઓફ રમેશ મહેતા અને મયુર બાપાના નામે જાણીતા મયુર પીઠડિયા જીવનની કઠીનાઈભરી પરિસ્થિતિ વચ્ચે અનેક ગુજરાતી ફિલ્મો, ટીવી સિરિયલ અને મ્યુઝિક આલ્બમ તથા યુ-ટ્યુબમાં અનેક કોમેડી એપિસોડમાં કામ કરી ચુક્યા છે. તેમનું નામ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રેના પ્રતિષ્ઠિત એવોર્ડમાં નામાંકન થતા મોરબીવાસીઓએ હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવી છે. વડોદરાના આજવા રોડ ઉપર આવેલ પંડિત દિનદયાલ ઉપધ્યાય નગર ગૃહ ખાતે આગામી 30 જાન્યુઆરીના રોજ બપોરે 2 -45 વાગ્યે જી.એફ.ટી.એ. સદસ્યતા અભિયાન મહાપર્વની ઉજવણી સંદર્ભે ગુજરાતી ફિલ્મ એન્ડ મ્યુઝિક એવોર્ડ્સ 2019નું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજરાતી ફિલ્મ એન્ડ મ્યુઝિક એવોર્ડ્સમાં મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા જાણીતા કલાકાર 36 વર્ષીય મયુરભાઈ પ્રકાશભાઈ પીઠડીયાનું નોમિનેશન કરવામાં આવ્યું છે. મયુર પીઠડીયા મયુર બાપા અને વોઇસ ઓફ રમેશ મહેતા તરીકે જાણીતા છે. મહત્વની વાત એ છે કે, મયુરભાઈના જીવનમાં થોડા વર્ષો પહેલા ઝંઝાવાત સર્જાયો હતો. તેમની બન્ને કિડનીઓ ફેઈલ થઈ ગઈ હોવાનું તબીબી નિદાનમાં જાહેર થયા બાદ પણ તેઓ જરાય હતાશ થયા ન હતા અને ‘કદમ જેના અસ્થિર હોય એને હિમાલય પણ નડતો નથી’ તે વાતને જીવનમાં વણી લઈને તેમણે જીવનની આ કડવી વાસ્તવિકતાને પચાવી પાડી કોઈને પણ પોતાની કરુણ દસ્તાનનો સહેજે પણ અણસાર ન આવવા દઈને દુનિયાને ખડખડાટ હસાવી છે. પોતાની કરુણ દાસ્તાનને વિસારે પાડીને લોકોને હસાવવામાં મશગુલ રહીને તેઓ ડાયાલીસીસ પર જીવનનો પથ કાંપી રહ્યા છે.

- text

મયુરભાઈ 17 વર્ષથી ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક ક્ષેત્રે સંકળાયેલા છે. તેમણે ચારથી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. ગુજરાતી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેકટર ઓફ કેમેરામેન તરીકે કામ કરતા કરતા ગુજરાતી ચેનલોની સિરિયલમાં પણ કામ કર્યું છે. જેમાં ઝી. ગુજરાતી ચેનલમાં ક્રાઈમ પેટ્રોલના એપિસોડમાં ભૂમિકાઓ કરવાની સાથે ‘ખોબો ભરીને જિંદગી’ ટીવી સિરિયલમાં આસિસ્ટન્ટ ડિરેકટર ઓફ કેમેરામેન તરીકે કામ કર્યું છે. ઈટીવી ગુજરાતી ચેનલની સિરિયલ અને દૂરદર્શનના ટેકનીશયન વિભાગમાં પણ કામ કર્યું છે. બાદમાં તબિયત ઘણી ખરાબ થઈ જતા આ ક્ષેત્ર બે વર્ષ માટે છોડી દીધું હતું.

જો કે તબિયત નરમ હોવા છતાં પ્રચંડ આત્મવિશ્વાસના સહારે ફરી ત્રણ વર્ષથી અભિનય ક્ષેત્રે ભારે ધગશ સાથે કામ કરી રહ્યા હતા. સૌથી પહેલા સોશ્યલ નેટવર્કિંગ સાઇટ યુ ટુયબની કોમડી ચેનલ એ.ડી.દલવાડી સાથે જોડાયા હતા અને કેટલાક કોમિક એપિસોડ કર્યા હતા. બાદમાં તેમણે યુ-ટ્યુબ ઉપર પોતાની આર.ડી.ધમાલ નામની ચેનલ ચાલુ કરી છે. જેમાં ગુજરાતી ફિલ્મોના કોમેડી કિંગ રમેશ મહેતાના અવાજમાં અનેક કોમેડી એપિસોડ કર્યા છે. જ્યારે મોરબી અપડેટમાં ટ્રાફિકની અવરનેશ માટે ‘આ મોબાઈલ તો ધંધે લગાડશે’ નામનું કટાક્ષયુક્ત સોન્ગમાં અભિનય કર્યો હતો અને ટુક સમયમાં તેમનું દોસ્તી નામનું સોંગ પણ આવી રહ્યું છે. ત્યારે આવી પ્રતિભાનું ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક ક્ષેત્રેના એવોર્ડમાં નોમિનેશન થતા સૌ કોઈ મોરબીવાસીઓને ગૌરવ લેવા જેવી બાબત છે.

- text