મોરબીમાં બેઠાપુલની બાજુના રસ્તા ઉપર ગેરકાયદે ખડકાયેલા 10 મકાનોનો કડુસલો બોલાવતું તંત્ર

- text


અગાઉ નોટિસ ફટકાર્યા બાદ પણ દાદ ન આપતા અંતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાલિકા તંત્રએ હાથ ધર્યું ડીમોલેશન : દબાણગ્રસ્ત જગ્યા ઉપર તાકીદે રોડ બનાવાશે

મોરબી : મોરબી પાલિકા તંત્રએ આજે ખાટકીવાસ ચોક પાસે બેઠપુલના સમાંતર રોડ ઉપર થયેલા દબાણો હટાવવા ડીમોલિશન હાથ ધર્યું હતું. અગાઉ નોટિસ ફટકાર્યા બાદ પણ દબાણો ન હટતા અંતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાલિકા તંત્રએ 10 જેટલા કાચા-પાકા મકાનો હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. થોડા દિવસો અગાઉ મોરબી જિલ્લા પોલીસ અને મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા શહેરની માથાના દુખાવારૂપ દબાણો દૂર કરવા માટે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવી દીધા હતા. જો કે તે વખતે મોરબીના બેઠાપુલ પાસેના સમાંતર માર્ગ ઉપર થયેલા દબાણોને સ્વેચ્છાએ હટાવી લેવા જે તે દબાણકારોને ત્રણ ચાર દિવસની મુદત સાથે નોટિસ ફટકારી હતી તેમ છતાં અહીંયા દબાણો ન હટતા અંતે આજે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સીટી મામલતદાર રૂપાપરા, ડીવાયએસપી, એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી, મોરબી પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના સ્ટાફે બેઠાપુલના સમાંતર માર્ગ ઉપર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને તંત્રએ ત્યાંના 10 જેટલા કાચા પાકા મકાનો ઉપર બુલડોઝર ફેરવીને આ દબાણો હટાવી દીધા હતા.

- text

બેઠાપુલથી સમાંતર રસ્તો નીકળે છે, એ માર્ગ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આ માર્ગ ખુલ્લો થવાથી અહીંયા થતી ટ્રાફિક સમસ્યા હળવી બનશે. દબાણો દૂર કર્યા બાદ ગેસ્ટ હાઉસ રોડની સમાંતર બીજો રસ્તો બનાવવામાં આવશે. જેથી, અહીંનો ટ્રાફિક સીધો જ નહેરુ ગેઇટ તરફ જઈ શકશે. જેથી, શહેરની ટ્રાફિક સમસ્યાઓ હલ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.

- text