મોરબી : LRD ભરતી અંગે 2018માં સરકારે જાહેર કરેલા પરિપત્રને રદ કરવા માંગ

- text


મોરબી : મોરબી જીલ્લા કોગ્રેસ ઓ.બી.સી. સમિતિ ઓ.બી.સી.ના પ્રમુખ સુરેશભાઈ શીરોહીયા, ડો. એલ. એમ. કંઝારીયા, જયદીપ કંઝારીયા, પ્રફુલભાઇ ગઢવી, નારણભાઇ શેખાણી દ્વારા LRD ભરતી અંગે સરકારની અનામત જોગવાઈ હેઠળ તા. 01/08/2018ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રને રદ કરવા જીલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમાં એલ.આર.ડી. ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળ તા. 01/08/2018ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રનો વિરોધ કરવા માટે છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતના એ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ની મહિલા ઉમેદવારો સરકારના નવા કરેલ પરિપત્રથી અન્યાય થતા તે સંદર્ભની માંગણીને લઇ તેઓ ઉપવાસ-ધરણા, વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો કરી સરકારને આ પરિપત્ર રદ કરવા રજૂઆત કરી આંદોલન કરી રહ્યા છે.

- text

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે તે કર્મચારી ઓપન કેટેગરીમાં મેરીટ સાથે આવતા હોય તેઓ મેરીટમાં પ્રથમ હોય છે ત્યારબાદ એ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ને આરક્ષણનો લાભ આપવો જોઈએ. તેમ છતાં અત્યારની LRDની ભરતીમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે આરક્ષણ કેટેગરીમાં આવતી મહિલાઓથી ઓપન કેટેગરીમાં આવતી મહિલાઓના માર્ક્સ ઓછા હોવા છતાં ભરતી માટે પસંદગીની યાદીમાં સમાવેશ થયેલ છે. જે બાબત સંવિધાનની દ્રષ્ટિએ યોગ્ય નથી. જેમાં દેશની બંધારણીય જોગવાઈ આર્ટિકલ 16(4)નો ભંગ થાય છે. આથી, મોરબી જીલ્લા કોગ્રેસ ઓ.બી.સી. સમિતિ દ્વારા બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા પરિપત્ર રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડી મહિલાઓને ન્યાય મળે તેવી રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે.

- text