મોરબી પાલિકાને સરકારે રસ્તા રીપેરીંગ માટે પૈસા ફાળવી દીધા હોવા છતાં રોડ રીપેરીંગ કેમ નથી થતા? : કાંતિલાલ અમૃતિયા

- text


બિસ્માર રસ્તાઓને કારણે મોરબીવાસીઓ વેઠી રહ્યાં છે અસહ્ય શારીરિક-માનસિક ત્રાસ : કાંતિભાઈ અમૃતિયા
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એક વિડિઓ જાહેર કરી મોરબીવાસીઓની વ્યથાને આપી વાચા 

મોરબી : આ વર્ષે લાંબા ચાલેલા ચોમાસા દરમ્યાન થયેલી અતિવૃષ્ટિને કારણે મોરબી શહેરના રસ્તોઓને વ્યાપક નુકસાન થયું હતું. આખા શહેરમાં પાણીના યોગ્ય નિકાલના અભાવને શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેને કારણે ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા હતા, ડામરનું સ્તર ઉખડી જતા રસ્તાઓ ઉબડખાબડ બની જતા રોડ-રસ્તા તદ્દન બિસ્માર અને ધૂળિયા થઈ ગયા છે.

રાજ્ય સરકારે દિવાળીના તહેવારોને લક્ષમાં લઈ 1 કી.મી. રસ્તો મરામત કરવાના રૂ. 15.00 લાખ પ્રમાણે 20.00 કી.મી. રસ્તાઓ મરામત કરવા રૂ. 3.00 કરોડ જેટલી જંગી રકમની ફાળવણી ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં કરી હતી. જો કે વહીવટી અણઆવડત અને અંદરો-અંદરની હુંસાતુસીને કારણે 3 મહિના જેટલો લાંબો સમય વીતવા છતાં મોરબી નગરપાલિકાએ એક ફુટ રોડની મરામત પણ કરી નથી અને તેથી મોરબીની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.

- text

આ બાબતે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ મોરબીની વ્યથિત પ્રજાની લાગણીને વાચા આપતા એક વીડિયો પ્રસિદ્ધ કર્યો છે. જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. ગુજરાત સરકારે જ્યારે રોડ રસ્તાઓ રીપેર કરવા માટે રકમ ફાળવી આપી છે ત્યારે હજુ કામ કેમ શરૂ નથી કરાતું એ અંગે પૂર્વ ધારાસભ્યએ સ્થાનિક તંત્રની અણઆવડત ઉજાગર કરી છે. ભંગાર અને ધૂળિયા રસ્તાઓને કારણે આખું શહેર ધૂળની ચાદરથી ઢંકાયેલું રહે છે. સતત ઊડતી રજકણોને કારણે લોકો શરદી-ઉધરસની બીમારીના ભોગ બની રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. લોકોના વાહનોને ભારે નુકશાન થઈ રહ્યું છે. ખરાબ રોડ-રસ્તાઓને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સામાન્ય બની છે. ધીમી ગતિએ વાહનો ચાલતા હોવાથી રોજના હજારો-લાખો રૂપિયા ઇંધણનો વેડફાટ થઈ રહ્યો છે. નાના-મોટા અકસ્માતોમાં નાગરિકો ઘવાઈ રહ્યા છે. માત્ર અને માત્ર તંત્રની નિષ્ક્રિયતાને કારણે મોરબીવાસી પીડાઈ રહ્યો છે ત્યારે મોરબીવાસીઓ આક્રોશીત છે અને ઇચ્છી રહ્યા છે કે શહેરના રસ્તાઓ તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે.

- text