માધાપરમાં તંત્રના પાપે ગટરના દૂષિત પાણી વચ્ચે વૃદ્ધાની સ્મશાન યાત્રા કાઢવાની નોબત

- text


દોઢ વર્ષથી ઉભરાતી ગટરના ગંધાતા પાણીની સમસ્યાના કારણે નર્કથી બદતર યાતના ભોગવતા સ્થાનિક લોકોની વેદના દૂર કરવામાં તંત્રએ તસ્દી ન લેતા આજે કપરી સ્થિતિ સર્જાઈ: ગટરના ગંધાતા પાણીમાં ડાધુ ઉભા રહેવા મજબુર બન્યા અને ગટરની ગંદકી વચ્ચે અંતિમક્રિયા કરવી પડી

મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં નિભર તંત્રના પાપે છેલ્લા દોઢ વર્ષથી ભયંકર હદે ભૂગર્ભ ગટરની બેસુમાર ગંદકી ઓવરફ્લો થયા કરે છે.પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારીના કારણે ગટરના ગંધાતા પાણીથી આ વિસ્તારના લોકો નર્કથી પણ બદતર યાતના ભોગવી રહ્યા છે.તેમ છતાં નિભર તંત્રએ આ ગંભીર સમસ્યા હલ કરવાને બદલે નિભરતાની હદ વટોળી દેતા આજે માધાપર વિસ્તારમાં ગટરની ગંદકીના કારણે કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી આજે આ વિસ્તારમાં એક વૃદ્ધાનું અવસાન થયા બાદ ગટરની ભયંકર ગંદકી વચ્ચે જ તેમની અતિમક્રિયા અને સ્મશાન યાત્રા કાઢવા સ્થાનિક રહીશોને મજબુર બનવું પડ્યું હતું.તેમજ ગટરના ગંધાતા પાણી વચ્ચે જ સ્મશાનયાત્રામાં આવેલા ડાધુઓને ઉભા રહેવાની ફરજ પડી હતી.

મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે.પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારીના પાપે માધપરમાં છેલ્લા દોઢ વર્ષથી ગટર ઉભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે અને આ વિસ્તારના લોકો માટે ગટરની સમસ્યા માથાના દુખાવા રૂપ બની ગઈ છે.માધાપર વિસ્તારમાં ભયંકર હદે ભૂગર્ભ ગટરની ગંદકી ઉભરાઈ છે અને આ આખા વિસ્તારને ભૂગર્ભ ગટરની ગંદકીએ બાનમાં લીધી છે.તેથી સ્થાનિક લોકોનું જીવવું હરામ થઈ ગયું છે.ગટરની ગંદકીના કારણે મચ્છરોનો ભારે ત્રાસ રહે છે.તેથી આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાયું છે અને આ વિસ્તારમાં ઠેરઠેર માંદગીના ખાટલા ખડકાયા છે.

- text

માધાપર વિસ્તારમાં ઉભરાતી ગટર અંગે લોકોએ વખતોવખત તંત્રને રજુઆત કરીને તંત્રના કાન આમળ્યા હતા પણ તંત્રએ હમ નહિ સુધરેગેની માફક અક્ષમ્ય બેદરકારી યથાવત રાખતા નિભર તંત્રના પાપે આજે માધાપર વિસ્તારમાં લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા.જેમાં બન્યું એવું હતું કે ,માધાપર વિસ્તારની શેરી નંબર 6 માં રહેતા મકનભાઈ ભવાનભાઈ ડાભીના પત્ની શાંતાબેન ઉ.વ.70 નામના વૃદ્ધાનું આજે અવસાન થયું હતું.પણ શેરી અને ઘરની આસપાસ ગટરના ભયકર હદે દુર્ગધ મારતા ગંદા પાણી ભરાયા હોવાના કારણે તેમના સ્વજનોને મૃતકની અંતિમવિધિ કરવામાં માટે ભારે કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.તેમજ સ્મશાનયાત્રામાં આવેલા ડાધુઓને પણ ગટરની ગંદકી વચ્ચે જ ઉભું રહેવું પડયું હતું અને મૃતકની અંતિમવિધિ તથા સ્મશાનયાત્રા પણ ગટરની ગંદકી વચ્ચે જ કરવી પડે તેવી નોબત આવી પડી હતી.તેમ છતાં નિભર તંત્રના પેટનું પાણી ન હલતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

- text