મોરબી : શિક્ષિકાની બદલી થતા બાળકીઓએ ધ્રુસકે ધ્રુસકે રડીને આપી વિદાય, જુઓ વીડિયો

- text


સૌ કોઈ વિદ્યાર્થીનીઓ ઉપર અવિરતપણે પ્રેમ- કરુણા વરસાવતા શિક્ષકની વિદાય વેળાએ હદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા

મોરબી : કોઈ વ્યક્તિના જીવનમાં શિક્ષકનું મહત્વ કેટલું હોય છે તે વર્ણવવું કે દર્શાવવું કઠિન છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવત છે કે ગુરૂ વિના જીવન નકામું. આમ આપણી સંસ્કૃતિમાં શિક્ષકને પૂજનીયનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ આજનું શિક્ષણ એક વ્યાપાર બની જતા પરિસ્થિતિ બદલાઈ છે. પરંતુ હજુ પણ એવા ઘણા શિક્ષકો છે. જેને પોતાની નિષ્ઠાવાન કામગીરીથી અને પ્રેમ- કરૂણા વ્હાવીને વિદ્યાર્થીઓના દિલ જીત્યા છે. આવા જ એક શિક્ષક ત્રાજપર પ્રાથમિક શાળામાં છે. જેની અચાનક થયેલી બદલીથી શાળાઓની વિદ્યાર્થીનીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ શિક્ષકની વિદાય વેળાએ શિક્ષણ જગતમાં ક્યારેય ન સર્જાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

- text

મોરબી તાલુકાની ત્રાજપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ આચાર્ય સંગીતાબેન આચાર્યની ઓવરસેટઅપના કારણે બદલી કરવામાં આવી હતી. આ બદલીથી ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને જોરદાર ઝટકો લાગ્યો હતો. સૌના માનીતા એવા શિક્ષકની બદલીના ઓર્ડર બાદ યોજાયેલા વિદાય સમારોહમા શાળાની વિદ્યાર્થીનીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ શાળાની દરેક વિદ્યાર્થીઓ ઉપર અવિરત પણે પ્રેમ અને વ્હાલ વરસાવીને સંગીતાબેને ખૂબ લોકચાહના મેળવી હતી. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીનીઓના દુઃખ અને સુખમાં પણ સંગીતાબેન સહભાગી બનતા હતા. માટે જ સંગીતાબેન દરેક વિદ્યાર્થીનીઓની સૌથી નિકટ રહેતા હતા.

જો કે મોરબી પંથકમાં શાળાના શિક્ષકોની બદલી બાદ ગ્રામજનો દ્વારા શિક્ષકોની બદલી રોકવા માટે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવતી હોવાના અનેક દાખલાઓ બન્યા છે. પરંતુ આ તમામ દાખલાઓથી આ ઘટના એકદમ અલગ જોવા મળી છે. જેમાં પોતાના માનીતા શિક્ષકની બદલી બાદ શાળાની તમામ બાળકીઓ રડતી હોવાના હદય દ્રવી ઉઠે તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. આમ આ દ્રશ્ય જોઈને સૌ કોઈ કહે કે શિક્ષક હોય તો સંગીતાબેન જેવા…

- text