ટંકારાના કોલસા ચોરી કૌભાંડમાં વધુ બે ઝડપાયા : ધરપકડનો કુલ આંક સાત

- text


ટંકારા : ગાંધીધામથી ભાવનગર સ્થિત નિરમા કંપનીમાં મોકલવામાં આવતો ઓસ્ટ્રેલિયાથી આયાત થતો મોંઘા ભાવનો કોલસો ટંકારા ખાતે ગોડાઉન ભાડે રાખી ચોરી કરી ઉતારી લેવાના કૌભાંડમાં અગાઉ પાંચ આરોપીની ધરપકડ થઈ હતી જ્યારે કૌભાંડમાં સંડોવાયેલા વધુ બે શખ્સોની ધરપકડ થતા અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓ ઝડપાયા છે જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓ હજુ નાસતા ફરતા હોય તેઓને ઝડપી લેવા પોલીસ તપાસ ચાલી રહી છે.

- text

ગાંધીધામના રહેવાસી હર્ષકુમાર પવનકુમાર મારવાડીએ થોડા દિવસો પહેલા ટંકારા પો.મથકમાં પોતે ભરાવેલા ટ્રકમાંથી કોલસો ચોરી થઈ જતો હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર એવા હિતેષના બે ભાગીદાર મીઠાઈ ઉર્ફે રજુ રામલાલ ગુર્જર, કિશોર ધનજી ટમારીયા અને ત્રણ ડ્રાયવર ગેમારાભાઈ રામભાઈ રામ મેઘવાડ, ધનજી આંબા મોણવેલ અને ઈશ્વર રૂપસિંગ રાઠોડની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તપાસમાં ખૂલેલ આરોપી ગિરીશપ્રસાદ મીઠાપ્રસાદ શાઈ ઉં.વ. રહે. કપડવંજ 61 તથા રિષભભાઈ શિવશાંતભાઈ સિંધ ઉં.વ.23 રહે.સિહોર, બાલાજીનગર વાળાની ધરપકડ કરી છે. આ બે પૈકીનો રિષભ કોલસા કંપનીનો કર્મચારી છે જેની જવાબદારી કોલસાની ગુણવત્તા ચેક કરવાની હતી. જેની આ કૌભાંડમાં સંડોવણી સામે આવતા તેને પણ આરોપી બનાવાયો છે. જ્યારે ગિરીશપ્રસાદની આ કોલસાની ખરીદીમાં ભૂમિકા રહી હોવાથી તેને પણ આરોપી બનાવાયો છે. હજુ મુખ્ય સૂત્રધારને પકડવો બાકી હોય પોલીસ કાર્યવાહી ચાલુ છે.

- text