મોરબીમાં યુવાનોએ 31’st ની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : 2020ના આગમનને વધાવવા અને 2019ને ગુડબાય કહેવા મોટાભાગના યુવાનોએ અગાઉથી ઘણા આયોજનો કરી રાખ્યા હતા. આજનું યુવાધન ઉત્સવની ઉજવણીમાં ધમાલ-મસ્તી, ડીજે, ખાણી-પીણીમાં અઢળક ખર્ચો કરતા ખચકાતો નથી. જો કે આવી ઉજવણી સ્વઆનંદ માટે કરાતી હોય છે ત્યારે મોરબીના અમુક યુવકોએ 31’st ની અનોખી ઉજવણી કરીને એક નવો ચીલો ચાતર્યો હતો.

- text

મોરબીમાં રહેતા નેવીલભાઈ પંડિત, પારસભાઈ મેહતા અને પ્રશાંતભાઈ વાઘડિયા સહિતના મિત્રો પાછલા 10 વર્ષોથી નવા વર્ષની વિશિષ્ટ ઉજવણી કરી રહ્યા છે. આ વર્ષે પણ તેઓએ એ પરંપરા જાળવી રાખી હતી. 31 ડિસેમ્બરની રાત્રીએ આ મિત્રોએ બાલાશ્રમના બાળકો તેમજ વૃધ્ધાશ્રમના વડીલો સાથે ધમાકેદાર ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમ્યાન સહુએ સાથે મળીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને બાળકો ડીજેના તાલે ઝુમ્યા હતા. 2020ના નવા વર્ષને વધાવતા કાર્યક્રમને અંતે સહુએ સાથે અલ્પાહાર લીધો હતો. નિરાધાર બાળકોને આ મિત્રોમાં તેઓના વાલીના દર્શન થયા હતા તો વડીલોએ આ મિત્રોમાં તેઓના સંતાનના સાચા પ્રેમની અનુભૂતિ કરી હતી.

- text