હળવદ પંથકમાં દીપડો હોવાની વન વિભાગની પુષ્ટિ : ઘનશ્યામપુરમાં પગના નિશાન દેખાયા

- text


પગના નિશાનથી થોડે દુર પશુનું મારણ : વનવિભાગના ગામમાં ધામા, જરૂર પડ્યે પાંજરૂ મુકવાની તૈયારી

હળવદ: પાછલા ચારેક દિવસથી હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું હતું ત્યારે ચરાડવા ગામે દીપડો નહીં પણ ઝરખ હોવાનું એક તબક્કે સામે આવ્યું હતું તેવામાં આજે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે દિપડાના સગડ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે તેમજ જે દિપડાના સગડ જોવા મળ્યા છે તેને થી થોડે દૂર એક પશુનુ મારણ થયું હોવાનું પણ ગામ લોકો જણાવી રહ્યા છે જેથી બનાવને પગલે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં આ સગડ દિપડાના હોવાનું જણાવ્યું છે

તાલુકાના ચડવા ગામની સીમમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા તેવામાં આજે સવારના તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલ ઝાલાભાઇની વાડી પાસે દીપડાના પગના નિશાન જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બનાવ અંગેની જાણ વનવિભાગના કરાતા સી.એન ગઢાળીયા,વિષ્ણુભાઈ રબારી, કાનાભાઈ આહીર,કનકસિંહ પરમાર,રોહિતભાઈ સોનગરા, પ્રવીણભાઈ સહિતનાઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને તપાસ કરાતા પ્રાથમિક દ્રષ્ટિએ દિપડાના પગના નિશાન હોવાનું સામે આવ્યું છે તેમજ જે જગ્યા પર દિપડાના સગડ જોવા મળ્યા છે તેને થોડે દૂર એક પશુંનુ મારણ પણ થયું હોવાનું ગામ લોકો જણાવી રહ્યાં છે.

- text

હાલ તો વનવિભાગની ટીમ દ્વારા ઘનશ્યામપુર ગામની સીમમાં સઘન તપાસ હાથ ધરી છે અને તેઓએ જણાવ્યું છે કે જરૂર પડયે દીપડાને પકડવા પાંજરૂ પણ મુકવામાં આવશે જેથી ખેડૂતોને કે ગામલોકોને ગભરાવાની કોઈ જરૂર નથી અત્રે ઉલ્લેખનીય છે કે ઘનશ્યામપુર ગામની સીમ વિસ્તારમાં દિપડાના સગડ જોવા મળતા ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

- text