ભરતનગરમાં જો આ 8 મિત્રો વ્યસન કરે તો થાય છે અધધ.. 25,000નો દંડ

- text


મોરબી : આજના સમયમાં મોટાભાગના લોકો કોઈને કોઈ વ્યસનના આદિ બની ચુક્યા હોય છે, અલબત્ત વ્યસન કરવુ એ સાંપ્રત સમયમાં સહજ રીતે લેવાય રહ્યું છે. વ્યસન બાબતે આજનો સમાજ વ્યાપક સહિષ્ણુતા ધરાવે છે. આથી, સમાજમાં મિત્રો, સગા-સ્નેહીઓ અને ચિર-પરિચિતોને વ્યસન છોડાવવા માટે દેખીતો અને કોઈ ખાસ પ્રયાસ કરવામાં આવતો નથી ત્યારે મોરબી તાલુકાના એક ગામમાં મિત્રવર્તુળમાં વ્યસન છોડવા માટેનો એક નવો પ્રયોગ અમલમાં મુકાયો છે. જે આગળ જતા જો સર્વવ્યાપી બને તો વ્યસનમુક્તિની દિશામાં કરવામાં આવતા પ્રયાસો માટે એક નવો અધ્યાય આલેખશે.

- text

સામાન્ય રીતે, લોકો સગા-સ્નેહીઓ-મિત્રોને મુશ્કેલીના સમયમાં આર્થિક મદદ કરતા હોય છે પણ વ્યસન મુક્ત કરવા માટે મિત્રો એકબીજાને મદદરૂપ બનતા હોતા નથી. ત્યારે મોરબીના ભરતનગર ગામે રહેતા વિનોદભાઈ ફેફર, વાલજીભાઈ ફેફર, ભરતભાઇ ફેફર, ગિતેશભાઈ ફેફર, શાંતિલાલ ફેફર, ભીખાલાલ ભુવા, વીરેન્દ્રભાઈ ઉપાધ્યાય તથા ધર્મેન્દ્રભાઈ ભાગીયા આ તમામ મિત્રોએ એક સાથે પોતાના વ્યસન ત્યજીને ફરી પાછા વ્યસનના રસ્તે ના જાય તે માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે. આ અભિગમ દ્વારા એક સંકલ્પ લેવામાં આવ્યો કે આ તમામ મિત્રોમાંથી કોઈપણ મિત્ર જો હવે એક પણ વાર વ્યસન મુક્તિનો ભંગ કરે તો તેમણે 25 હજારની રકમ દાન પુણ્ય તથા સેવાકીય કર્યો માટે વાપરવી. દાન-પુણ્ય કરવું એ દરેક લોકોનું સામાજિક ઉત્તરદાયિત્વ છે પરંતુ વ્યસન કરીને તેના દંડ સ્વરૂપે કરવામાં આવતું દાન – પુણ્ય તો સ્વભાવિક રીતે જ નીચા જોણું કરાવે. આમ, સમાજમાં જાગૃતિ આણવાના હેતુસર આ નવતર અભિગમ અપનાવીને આ મિત્રોએ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા વ્યસનોને તિલાંજલિ આપી અન્યો માટે એક દિશાસુચક કાર્ય કર્યું છે.

- text