પત્નીની છેડતી કર્યાની શંકાને આધારે છરીના ઘા મારી નાની વાવડીના યુવકનો પંજો કાપી નાખ્યો

- text


મોરબી : મોરબીના બે શખ્સોએ નાની વાવડી ગામે રહેતા યુવકનો હાથનો પંજો છરીના ઘા મારી કાપી નાખ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. મોરબી એ.ડીવી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી મોરબીના બે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ આદરી છે.
મોરબી એ.ડીવી.પો.સ્ટે.માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સંજય ગાંડુભાઈ ભરવાડ રહે. ભરવાડ શેરી તથા વિવેક ભરતભાઈ ઝાલા રહે. મોચીશેરી, મોરબી વાળાઓએ ફરિયાદી સાગર કાંતિલાલ ચાવડા રહે.નાની વાવડી વાળો આરોપી વિવેકની પત્નીની છેડતી તેમજ ચેનચાળા કરતો હોવાની શંકાના આધારે વાવડી ચોકડી નજીક, ગૌશાળા પાસે રોડ પર આંતરીને ઉપરોક્ત બાબતે ઝઘડો કરી ઢીંકા-પાટુંનો મૂંઢ માર મારી બાદમાં સંજય ગાંડુ ભરવાડે પોતાની પાસે રહેલી છરીથી ફરિયાદી સાગર પર હુમલો કર્યો હતો. હુમલાથી બચવા માટે સાગરે પોતાના હાથ આગળ ધરતા આરોપી સંજયે સાગરના ડાબા હાથના કાંડાથી પંજા સુધીના હાથ પર છરીના ખૂનન્સ પૂર્વક વાર કરતા સાગરનો પંજો હાથથી છૂટો પડી ગયો હતો. જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઝપાઝપી દરમ્યાન સાગરના ડાબા પગના ગોંઠણના ભાગે પણ છરીનો એક ઘા મારતા સાગર સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો. હુમલો કરી બન્ને આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બાદમાં સાગરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

- text

બનાવની જાણ થતાં મોરબી એ.ડીવી.પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઇ બનાવની વિગતો મેળવી નાસી છૂટેલા બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 326, 323, 504, 506/2, 114 તથા સી.પી. એકટ 135 હેઠળ ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. બનાવની તપાસ મોરબી એ.ડીવી.ના પી.એસ.આઇ વી.કે.ગોંડલીયા ચલાવી રહ્યા છે.

- text