મોરબીમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવા અનેરો થનગનાટ

- text


સર્વ હિન્દૂ સંગઠન દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન : ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો : દેવકી નંદનના જન્મોત્સવના હર્ષભેર વધામણા કરાશે

મોરબી : મોરબી શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધર્મોલ્લાસ ભેર ઉજવણી કરવા શહેરીજનો રીતસર હર્ષધેલા બન્યા છે. જશોદાના જાયા અને દેવકી નંદનના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરવાં માટે શહેરને ગોકુળીયુ ગામ બનાવી દેવા માટે વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સર્વ હિન્દૂ સંગઠન દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરી નંદલાલાના જન્મોત્સવના વધામણાં કરાશે.

મોરબીમાં આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના ,અંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સહિતના તમામ ધાર્મિક સંગઠનો એક મંચ પર આવીને સર્વ હિન્દૂ સંગઠનની રચના કરીને આગામી જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી નિમિતે દરેક વખતે શોભાયાત્રાનું આયોજન કરતા તમામ નાના મોટા સંગઠનોની આગામી જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજન અંગે તાજેતરમાં એક બેઠક મળી હતી. જેમાં તમામ હિન્દૂ સંગઠનોને એક છત્ર નીચે સમાવીને જન્માષ્ટમીની શોભાયાત્રાના સુંદર આયોજન માટે સર્વ હિન્દૂ સંગઠનની રચના કરવામાં આવી હતી. જેના કન્વીનર તરીકે કમલેશભાઈ બોરીચાની નિમણુક કરવામાં આવી છે. દર વખતે જન્માષ્ટમીમાં જુદા જુદા સંગઠનોના હોદ્દેદારોની સર્વ હિન્દૂ સંગઠનના કન્વીનરની નિમણુક કરાશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો

- text

સર્વ હિન્દૂ સંગઠન દ્વારા પરંપરાગત રીતે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવામાં આવશે અને આ શોભાયાત્રા જન્માષ્ટમીના દિવસે સવારે 8 વાગ્યે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિરેથી નીકળશે. શોભાયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મ સમયના પ્રસંગોના આકર્ષક ફ્લોટ રજૂ કરાશે. શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંગઠનોના યુવાનો હેરત અંગેજ પ્રયોગો રજૂ કરશે. શોભાયાત્રા નિર્ધારિત રૂટ પર ફરશે અને ઠેરઠેર મટકી ફોડ કરીને નંદલાલાના આગમનને હર્ષભેર વધામણાં કરાશે. તેમજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે એટલે કે રાત્રીના 12 વાગ્યે પણ ઠેરઠેર મટકી ફોડના અયોજનો કરવામાં આવ્યા છે. ડી.જે ના તાલે લોકો ઝૂમી ઉઠીને જન્માષ્ટમીની ઉજવણી કરાશે. જન્માષ્ટમી નિમિતે ઠેરઠેર ધજકા પતાકા સહિતનો શણગાર કરવામાં આવી રહ્યો છે.

- text