મોરબી નજીક હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો : પોલીસે તપાસ શરૂ કરી

- text


મૃતક પરપ્રાંતિયનો હોવાની શક્યતા : મૃતદેહની ઓળખ મેળવવા તપાસ : મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

મોરબી : મોરબીના મકનસર પોલીસ હેડક્વાર્ટર પાસે આજે સાંજના અરસામાં એક પરપ્રાંતીય પુરુષનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે આ અંગે જાણ થતા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મકનસર પોલીસ હેડક્વાર્ટર પાછળના ભાગે આજે સાંજના અરસામાં કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકોએ તાલુકા પોલીસને જાણ કરી હતી. જેના પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.વી. પટેલ સહિતની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં તેઓએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશી સહિતના અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

- text

મૃતદેહને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તેની હત્યા થઈ હોવાનું જાણવા મળે છે. વધુમાં મૃતક પુરુષ પરપ્રાંતીય હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આ પુરુષની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ આદરી છે. વધુમાં આ હત્યા કઈ રીતે થઈ છે. તેની વિગતવાર માહિતિ મેળવવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text