પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું મોરબીને આંગણે ભવ્ય સ્વાગત

- text


કુલ ૭ દિવસ મોરબીમાં રોકાણ દરમ્યાન પારાયણ, સત્સંગ સભા અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો : ૧૨ જૂને કર્ણાટકના ગવર્નર માનનીય વજુભાઈ વાળા સહીત અનેક અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે

મોરબી : બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે મચ્છુના તટે આવેલ મોરબીની ધરાને સૌ પ્રથમવાર પધારીને પાવન કરી છે. તેઓ તારીખ ૧૧ જૂન મંગળવારથી ૧૭ જૂન સોમવાર સુધી કુલ ૭ દિવસ મોરબીમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શનો અને સત્સંગ સભા તેમજ પારાયણો યોજવામાં આવશે.

રાજકોટનું શિરમોર સમું કાલાવડ રોડ પર શોભતું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર જે ગુલાબી પથ્થરથી બનેલું છે, તેવું જ ગુલાબી પથ્થરનું નયનરમ્ય અને હૃદયગમ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મોરબી શહેરમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય આત્મીયતાથી આકાર લેવા જઈ રહ્યું છે જેનો ૧૨ જૂને શિલાન્યાસ વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ, વડીલ સદગુરુ સંતો તેમજ કર્ણાટકના ગવર્નર માનનીયશ્રી વજુભાઈ વાળા તેમજ અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે ૮ થી ૧૨ દરમ્યાન યોજાશે.

મોરબીમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની પદરજથી પરમશાંતિની જ્યોત જગાવી હતી. પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજે પધરામણીઓ કરીને અને યોગીજી મહારાજે પારાયણો કરીને સત્સંગ મંડળનો મંગલ પ્રારંભ કર્યો હતો. આ મોરબીમાં પ્રમુખસ્વામી મહારાજે મચ્છુ દુર્ઘટના બાદ રેલરાહત કરી સેવાયજ્ઞ પ્રગટાવ્યો હતો અને જ્યાં મહંતસ્વામી મહારાજે આબાલવૃદ્ધ સાથે આત્મીયતા સાધીને ભક્તિની ભરતી ચઢાવી છે. વિશેષ તો કલા, કૌશલ્ય અને કર્મઠતાથી ઉદ્યોગક્ષેત્રે વિશ્વફલકે ચમકતાં આ શહેરે અનુભૂતિ કરી છે, બી.એ.પી.એસ.ના સંયમ, સદાચાર અને સંસ્કૃતિથી શોભતા માનવ શિલ્પોની, મચ્છુ તટે ઉછરેલી આ મયુરપૂરી ધન્યભાગી બની છે. બી.એ.પી.એસ. દ્વારા થતાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારલક્ષી સેવાકાર્યોથી. એટલા માટે જ મોરબી પંથકના લાખો મુમુક્ષુઓની સુખાકારી માટે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા મોરબીના આંગણે નુતન શિખરબદ્ધ મંદિરના નિર્માણનો પ્રારંભ થઈ રહ્યો છે.

મોરબીના મુગટમણી બની રહેનારા આ મંદિરમાં સનાતન ધર્મના વૈદિક સ્વરૂપો બિરાજશે, પરંપરાગત ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાથી અલંકૃત બની રહેનારા આ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ મંદિરના પ્રેરણામૂર્તિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા સંતો, મહાનુભાવો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આજે વિ. સં. ૨૦૭૫, જેઠ સુદ દશમના પવિત્ર દિને સંપન્ન થશે. આજે સાંજથી વરિષ્ઠ સદગુરુ સંત અને વર્ષોથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સાથે વિચરણ કરનાર પૂજ્ય વિવેકસાગર સ્વામી શનિવાર સુધી પારાયણમાં સાંજે ૭:૩૦ થી ૯ દરમ્યાન કથાવાર્તાનો લાભ આપશે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રોકાણ દરમ્યાન મોરબીના આંગણે યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા તેમજ શિલાન્યાસ મહોત્સવના ઐતિહાસિક અવસરનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા બી.એ.પી.એસ. સત્સંગ મંડળ મોરબી વતી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, પૂજ્ય હરિસ્મરણ સ્વામી, પૂજ્ય મંગલપ્રકાશ સ્વામી સહિત સૌ સંતોએ મોરબીવાસીઓને અંતરનું આમંત્રણ પાઠવ્યું છે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાનાર મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવના કાર્યક્રમની રૂપરેખા

- text

તા. ૧૨/૦૬/૨૦૧૯, બુધવાર શિલાન્યાસ વિધિ અને શિલાન્યાસ સભા સવારે ૮:૦૦ થી ૧૨:૦૦.
તા. ૧૩/૦૬/૨૦૧૯, ગુરુવાર વિરાટ મહિલા સંમેલન બપોરે ૧:૦૦ થી ૫:૦૦.
તા. ૧૪/૦૬/૨૦૧૯, શુક્રવાર સાંસ્કૃતિક કાર્યક્રમ – ‘બનીએ મંદિર ઉમંગે’ રાત્રે ૭:૦૦ થી ૯:૩૦.
તા. ૧૫/૦૬/૨૦૧૯, શનિવાર શ્રી હરિકૃષ્ણ મહારાજ રજતતુલા મહોત્સવ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સમીપ દર્શન.
તા. ૧૬/૦૬/૨૦૧૯, રવિવાર સાંસ્કૃતિક કાર્યક્રમ – ‘કરીએ મંદિર ઉમંગે’ રાત્રે ૭:૦૦ થી ૯:૩૦
તા. ૧૪/૦૬/૨૦૧૯ થી તા. ૧૬/૦૬/૨૦૧૯ સવારે ૫:૧૫ થી ૭:૩૦ દરમિયાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનનો લાભ મળશે. તા. ૧૨/૦૬/૨૦૧૯ થી તા. ૧૬/૦૬/૨૦૧૯ સાંજે : ૭:૩૦ થી ૮:૩૦

- text