વાંકાનેરમાં પણ ફાયર સેફટીની લોલમલોલ : તંત્રએ 10 ટ્યુશન કલાસીસને નોટિસ ફટકારી

- text


ચાર વર્ષ પહેલાં વીજળી પડવાથી બળી ગયેલા ફાયર ફાઈટરની મરમત માટે જ તંત્રને ફુરસદ નથી : 10થી વધુ ટ્યુશન કલાસીસ, 20 જેટલી સ્કૂલ અને અનેક બહુમાળી ઇમારતો માટે એક માત્ર સાવ નાનું ફાયર ફાયટર : વર્ષોથી ફાયર સેફટી રામભરોસે

વાંકાનેર : સુરતની ગોઝારી ઘટના પછી વાંકાનેરમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને પાલિકા તંત્રએ માત્ર 10 ટ્યુશન કલાસીસને નોટિસ પાઠવીને કાર્યવાહી કર્યાના સંતોષનો ઓડકાર ખાધો છે.હકીકતમાં વાંકાનેરમાં ફાયર સેફટી લોલમલોલ છે.ચાર વર્ષ પહેલાં વીજળી પડવાથી મોટું ફાયર ફાયટર બળી ગયું હતું.હજુ સુધી એને રિપેર કરાવ્યું નથી તેથી માત્ર નાનું ફાયર ફાયટરથી કામ ચલાવાય છે જે બે માંળના મકાનમાં પણ આગ બુઝાવવા માટે અસક્ષમ છે ત્યારે આખા શહેરમાં આગની મોટી દુર્ઘટના બને તો મોટી જાનમાલની ખુવારી થાય તેવી દહેશત છે

વાંકાનેરનું વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્રના પાપે સમગ્ર શહેરની ફાયર સેફટીની સુવિધા છેલ્લા ઘણા સમયથી લોલમલોલ ચાલી રહી છે.વાંકાનેર પાલિકાએ ચાર વર્ષ પહેલાં મોટું ફાયર ફાઇટર મંગાવ્યું હતું. એ જ વર્ષે ખાબકેલી વીજળીને કારણે આ ફાયર ફાઇટર બળી ગયું હતું હવે એ ફાયર ફાયટર કામ આવી શકે તેમ નથી. કારણકે ચાર વર્ષમાં નપાણિયું તંત્રને આ ફાયર ફાયટરને રિપેર કરવાની ફુરસદ મળી નથી. તેથી આખું શહેર એક નાનું ફાયર ફાયટરના સહારે આવી ગયું છે. આ નાનું ફાયર ફાયટર બે માળના મકાનમાં આગ લાગે તો પણ બુઝાવી શકે તેમ નથી.તો મોટી મોટી ઇમારતોમાં ક્યાંથી આગ બુઝાવી શકે. શહેરમાં અનેક બહુમાળી ઇમારતો આવેલી છે.ઘણી ઇમારતોને મંજૂરી ન હોવા છતાં ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે.છતાં પાલિકા તંત્ર જવાબદારોનો વાળ વાકો કરી શકતું નથી.પાલિકા તંત્ર જવાબદારો સામે કાર્યવાહી કરવામાં કોની લાજ નડે છે તેવો સવાલ ઉઠ્યો છે શહેરમાં 10થી વધુ ટ્યુશન કલાસીસ અને 20 જેટલી સ્કૂલો આવેલી છે.આ એકેય સંસ્થામાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી.છતાં સુરતની ઘટના બન્યા પછી તંત્રને રેલો આવતા 10 ટ્યુશન કલાસીસને નોટિસ ફટકારી છે અને ખાનગી શાળા અને બહુમાળી ઇમારતો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી જે દર્શાવે છે કે હજુ પણ તંત્ર બોધપાઠ લેવાને બદલે જવાબદારોને છાવરી રહ્યું છે.

- text

- text