મોરબીના યુવાનોએ ૩૫૦૦ કિમીનો પ્રવાસ ખેડી ૯ શહીદોના પરિવારોના ઘરે જઈને સહાય અર્પી

- text


ઉત્તરાખંડ અને રાજસ્થાન જઈને સેવાની સુવાસ ફેલાવતા મોરબીના યુવાનો : શહીદના પરિવારોની કફોડી સ્થિતિ પ્રત્યક્ષ નિહાળી, ઘરમા બારણા પણ ન હતા!!

મોરબી : મોરબીના યુવાનોએ રાજસ્થાન અને ઉત્તરાખંડનો ૩૫૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને ૯ શહીદોના પરિવારોને ઘરે જઈને તેઓને હાથોહાથ સહાય અર્પણ કરી છે. જો કે પ્રવાસ દરમિયાન શહીદોના પરિવારોની કફોડી સ્થિતિ જોઈને આ યુવાનોનું હદય દ્રવી ઉઠ્યું હતું. શહીદોના પરિવારો જે મકાનમાં રહેતા હતા તે મકાનમા માત્ર ચાર દીવાલો જ હતી. તેમા બારણા પણ ન હતા.

દેશની તેમજ દેશમાં વસતા લોકોની રક્ષા માટે જે સૈનિકો પોતાના પ્રાણની આહુતિ આપી દયે છે. તે શહાદત પામેલા વીર સૈનિકોની ગેરહાજરીમાં તેમના પરિવારજનોની તકેદારી રાખવી તે દેશના દરેક લોકોની ફરજ છે. આવી વિચારધારા ધરાવતા મોરબીના અજયભાઈ લોરીયાએ શહીદોના પરિવારોને સહાય તેમના ઘરે જઈને રૂબરૂ આપવાનો નીર્ધાર કર્યો હતો. જે મુજબ તેઓએ ઉત્તરાખંડ અને રાજસ્થાન જઈને નવ શહીદોના પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરી હતી. આ સેવાયાત્રામા તેમની સાથે કુલદીપભાઈ વાઘડિયા, ધર્મેશભાઈ રામાણી સહિતના યુવાનો પણ જોડાયા હતા.

મોરબીના આ યુવાનોએ ૩૫૦૦ કિમીની યાત્રા કરીને રાજસ્થાનના ૫ શહીદો અને ઉત્તરાખંડના ૪ શહીદોમાં પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી પરિવારના સભ્યો સાથે થોડો સમય પણ ગળ્યો હતો. તેઓએ પુલવામાં ખાતેના આતંકી હુમલામાં શહીદ થયેલા મોહન લાલ, રોહિતાસ લાંબા, જીત રામ, ભગીરથ સિંગ, હેમરાજ મીના, નારાયણ ગુર્જર, વિરેન્દ્ર સિંગ તેમજ બાદમાં શહીદ થયેલા મેજર વિભૂતિ ધૂંડીયલ અને ચિતરેશકુમાર તીસ્તના પરિવારજનોને સહાય અર્પણ કરી હતી.

- text

મોરબીના યુવાનોએ જે સેવાયાત્રા કરી તેમાં હદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો જોવા મલ્યા હતા. ૯ શહીદોમાંથી ૭ શહીદોના પરિવારો ખૂબ કફોડી હાલતમાં જીવનનિર્વાહ કરી રહયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત આ ૭ શહીદોના પરિવારોના ઘરમા માત્ર ૪ દીવાલો જ જોવા મળી હતી. રાત્રે પરિવારના અડધા સભ્યોને બહાર સૂવું પડે છે. આમ શહીદોના પરિવારો ભારે તકલીફોનો સામનો કરીને પોતાનું જીવન જીવી રહ્યા હોવાનું પ્રત્યક્ષ રીતે મોરબીના યુવાનોએ નિહાળ્યું હતું.

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text