મોરબીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો : ૨૬૯૮ લાભાર્થીઓને ૧.૦૭ કરોડની સાધન સહાય અપર્ણ

- text


મોરબી : ગરીબોના કલ્યાણ માટેનો જરૂયાતમંદ લોકોને હાથો-હાથ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણી અને ગુજરાત બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અધ્યક્ષ બી.એચ.ઘોડાસરાના હસ્તે માર્કેટીંગ યાર્ડ,શનાળા રોડ,મોરબી ખાતે ૨૬૯૮ જરૂરતમંદોને ૧.૦૭ કરોડની સાધન સહાય અપર્ણ કરાઇ હતી.

આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી જણાવ્યું હતું કે, સરકાર અને વહીવટીતંત્ર તરફથી વચેટીયાઓની નાબૂદી કરીને ગરીબો અને જરૂરતમંદોને સીધે-સીધી સહાય કરવાના મહા અભિયાનનો આપના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તાત્કાલિન મુખ્યમંત્રીએ ૨૦૦૯ માં પ્રાંરભ કર્યો હતો. લાભાર્થીઓને કોઇ ફોર્મ ન ભરવા પડે અને સરકારી કચેરીઓના ધકકા ખાવા ન પડે તેવા આશયથી સરકારની તમામ યોજનાઓનો લાભ આ જરૂરતમંદોને ગરીબ કલ્યાણ મેળા દ્વારા સાધન સહાય એનાયત કરવામાં આવે છે. લાભાર્થીઓને તેમની મળતી સહાયથી તેમના પરિવારનું આર્થિક જીવન ધોરણ ઉચું આવે તેવો આશય આ સરકારનો રહેલ છે.

જયારે વધુમાં જણાવ્યું કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું કે, મારો દેશ સ્વચ્છ હોય, તંદુરસ્ત હોય દેશમાં સારૂ શાસન,સુશાન મળે જે ૭૦ વર્ષમાં ગાંધીજીનું સ્વપ્ન પૂરૂ ન કરી શકયા તે સ્વપ્નું આપણા હાલના વડાપ્રધાન મોદીજીએ આ સ્વપ્ન પુરૂ કરવા માટે દેશને સ્વચ્છ બનાવવા માટે,દેશને તંદુરસ્ત બનાવવા માટે હાથમાં ઝાડું લઇને નિકળ્યા છે. ત્યારે આપ સહુ નાગરિકની ફરજ છે કે, આપણે આ કાર્યમાં સાથે જોડાવું જોઇએ અને સહભાગી બનવું જોઇએ.
આ પ્રસંગે ગુજરાત બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અધ્યક્ષશ્રી બી.એચ.ઘોડાસરાએ જણાવ્યું હતુ કે, હાલના વડાપ્રધાનનો ’’ સૌનો સાથ સૌનો વિકાસ’’ ને સાર્થક કરવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઇએ. અને આવા ગરીબ કલ્યાણ મેળાના આયોજન દ્વારા જે ગરીબ જરૂરતમંદ છે તેમને હાથો-હાથ લાભ મળે તેવા પ્રયાસ સરકારે હાથ ધરેલ છે.

આ ગરીબ કલ્યાણ મેળામાં એ.પી.એમ.સી.-હળવદ,મોરબી સિરામિક એસોસીએશન-મોરબી, કૂળદેવી કંસ્ટ્રકશન-નસીતપરા(ટંકારા),જયદીપ સોલ્ટ વર્કસ-માળીયા(મીં), વરમોરા ગ્રેનાઇટો પ્રા.સી.-વાંકાનેર વગેરે દાતાઓ તરફથી કન્યા કેળવણી નિધિમાં કુલ મળી રૂા.૧.૩૯ લાખના ચેકો મંત્રીને અપર્ણ કર્યા હતા..

આ પ્રસંગે પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયા અને પૂર્વ ધારાસભ્ય કાંન્તીભાઇ અમૃતિયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા.જયારે જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ અંતે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

આ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓ એવા જાગૃતિબેન કિરીટભાઇ પરમાર-મોરબી, અનસોયાબેન મેરાભાઇ કોળી-હળવદ, પિત્રોડા દિનેશભાઇ રવજીભાઇ-હળવદ, જયારે દેશમાં પ્રથમ વખત આયુષ્યમાન ભારતની યોજના દ્વારા ઘુંટણનો સાંધો બદલાવવાના ઓપરેશન કરવામાં આવેલ તેવા જીતુબેન ભુરાભાઇ પરમાર-મોરબીએ ગરીબ કલ્યાણ મેળાથી તેમને થયેલા ફાયદાઓ વર્ણવતા તેમના પ્રતિભાવો રજુ કર્યા હતાં.

- text

આ ગરીબ કલ્યાણ મેળાની આયોજન-વ્યવસ્થા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર કેતન જોશી, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે.ગોહિલ તથા વહીવટતંત્ર ટીમે સંભાળી હતી. જયારે ચીફ ઓફીસર,તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર,કાર્યપાલક ઇજનેર અને તેમની ટીમે મંડપ, સ્ટેજ, પાણી સહિતની આનુસાંગિક વ્યવસ્થાઓ સંભાળી હતી. ગરીબ કલ્યાણ મેળાના મુખ્ય સ્ટેજ ઉપર મંત્રી સહિતના મહાનુભાવો ઉપરાંત ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, જિલ્લાના પદાધિકારીઓ, ઉચ્ચઅધિકારીઓ, સામાજિક કાર્યકરો વિગેરેએ સ્થાન ગ્રહણ કર્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text