કાલિકા પ્લોટમાં સામાપક્ષેથી પણ ફાયરિંગ થયાની રાજવીરસિંગની સ્ફોટક કબૂલાત

- text


ફાયરિંગ કેસમાં આંતરરાજ્ય ખુંખાર શાર્પ શૂટર પાસેથી પોલીસ રિમાન્ડ દરમિયાન કઈ ઓકવી ન શકી !

મને અજય અને મોન્ટુએ મોકલ્યો હતો, હું કોઈને ઓળખતો નથી ! રિમાન્ડ દરમિયાન સુરેશસિંહ ઉર્ફે રાજવીરે એક જ કેસેટ વગાડી

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ કરી એક બાળકના મોત નિપજાવાની ઘટનામાં પોલીસ ગિરફતમાં આવેલ આંતરાજ્ય ગુન્હેગાર અને શાર્પ શૂટર સુરેશસિંગ ઉર્ફે રાજવીરસિંગ અને સુરેન્દ્રસિંહ ઝાલાના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરતા અદાલતે બન્ને આરોપીઓને જેલહવાલે કરવા આદેશ કર્યો હતો, બીજી તરફ પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ ખુંખાર અપરાધી સુરેશસિંગ પાસેથી નક્કર હકીકત ઓકવવામાં નિષ્ફળ રહી છે જો કે શાર્પ શૂટર સુરેશસિંગ ઉર્ફે રાજવીરસિંગે કાલિકા પ્લોટમાં સામાપક્ષે પણ ફાયરિંગ થયા હોવાની રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાત આપતા નવો ફણગો ફૂટ્યો છે.

મોરબીના કાલિકા પ્લોટમાં ગત તા.૮ ડિસેમ્બરના રોજ સાંજના આરીફ ગુલમહમદભાઇ મીર રહે. કાલીકા પ્લોટ મોરબીવાળાના ઘર નજીક અજાણ્યા ઈસમો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતા આ મામલે આરીફ મીરે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા (૨) મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને (૩) વિજયસિંહ ઉર્ફે કડી રહે. ત્રણેય મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે સ્થાનિક લોકોના હાથે ઝડપાઇ ગયેલ સુરેશસિહ ઉર્ફે રાજવિરસિંહ ઉર્ફે ધનજી ઇન્દ્રદેવસિંહ
ઠાકુર રહે, ગામ-સતવાર, ઉપટોલા તા.બાંસડી, જી.બલીયા (ઉત્તરપ્રદેશ),સહ આરોપી તરીકે ભરતભાઈ જીવણભાઈ સોઢીયા ઉ.૩૧, દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા અને સુરેન્દ્રસિંહ
કરણસિંહ ઝાલા ઉ.૩૦ રહે. શકત શનાળા વાળાની ધરપકડ કરી રિમાન્ડ માંગતા અદાલતે આરોપી સુરેશસિહ ઉર્ફે રાજવિરસિંહ ઉર્ફે ધનજી ઇન્દ્રદેવસિંહ
ઠાકુર અને સુરેન્દ્રસિંહ ઝાલાના ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

- text

બીજી તરફ આજે બન્ને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે બન્નેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો જો કે ચોકવનારી બાબત એ છે કે સાતીર દિમાગ આંતર રાજ્ય રીઢા ગુન્હેગાર સુરેશસિંગે ફાયરિંગ કરવા માટે કોણે સોંપારી આપી હતી અને આ કૃત્ય માટે કેટલા નાણાં મળ્યા તે અંગે રિમાન્ડ દરમિયાન પણ હરફ સુધ્ધા ઉચાર્યો ન હતો અને પોતાને મોન્ટુ અને અજય નામના શખસો કે જે જેલમાં મળ્યા હતા તેમને આ કામ સોંપ્યું હોવાની ગોળ -ગોળ વાતો કરી પોલીસને ચકરાવે ચડાવી હતી.

દરમિયાન સાઉથની થ્રિલર ફિલ્મી સ્ટોરી જેવા મોરબીના અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં શાર્પ શૂટર સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંગે રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ સ્ફોટક કબૂલાત આપતા જણાવ્યું હતું કે કાલિકા પ્લોટમાં પોતે કરેલા ફાયરિંગ બાદ સામે પક્ષેથી પણ ફાયરિંગ થયું હતું અને બાળકને અજાણતા જ ગોળી વાગી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હોવાનું સૂત્રો જણાવી રહયા છે.

ઉલ્લેખનીય છે કે આરોપી સુરેશસિંગ ઉર્ફે રાજવીરસિંગે પોલીસ રિમાન્ડ દરમિયાન ફાયરિંગની ઘટનાને અંજામ આપતા પૂર્વે ત્રણેક વાર કાલિકા પ્લોટમાં આંટાફેરા કરી રેકી કરી હોવાની કબૂલાત આપી હોવાનું ટોચના સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

- text