અખંડ સૌભાગ્ય વતી ભવ: મોરબીના અગ્રણીઓ દ્વારા આર્યસમાજ વિધિથી સંતાનના લગ્ન કરાવ્યા

- text


 

મોરબી શિક્ષક સંઘના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિનું પ્રેરણાદાયી પગલું

મોરબી : લગ્ન સમારોહ પાછળ ધુમાડાની જેમ અને બિનજરૂરી ખર્ચાઓ કરતા પાટીદાર સમાજને પ્રેરણા આપતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ વી.સરડવા અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ મનસુખભાઇ અંદરપાએ પોતાના સંતાનોના અત્યંત સાદાઈથી આર્યસમાજ વિધિથી લગ્ન કરાવી સમાજને વૈચારિક ક્રાંતિનો સંદેશ આપ્યો છે.

વર્તમાન સમયમાં પાટીદાર સમાજ દ્વારા સંતાનોના લગ્નો પાછળ લખલૂટ ખર્ચાઓ થાય છે અને તેના આંધળા અનુકરણ દ્વારા સમાજના સામાન્ય લોકો પણ આર્થિક કટોકટીમાં મુકાતા જાય છે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ વી.સરડવાએ પોતાની પુત્રી ચિ. મોનિકાના શુભલગ્ન મોરબીના ઉદ્યોગપતિ મનસુખભાઈ અંદરપાના પુત્ર ચિ.વૈભવ સાથે નિર્ધાર્યા હતા.બન્ને સંપન્ન પરિવાર ધારે તો લગ્ન ખૂબ ઠાઠમાઠથી કરી શકતા હતા છતાં પણ આર્યસમાજ વિધિ દ્વારા સાદાઈથી લગ્ન યોજી સમાજને ઉમદા પ્રેરણા પૂરી પાડી છે.

આ સાદગીભર્યા લગ્ન માટે દીકરી મોનિકા અને જમાઈ વૈભવના ક્રાંતિકારી વિચારોએ પણ મહત્વનો ભાગ ભજવેલ છે. બન્ને એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કરેલ છે અને બંનેના આ સામાજિક ઉત્થાનના વિચારે પાટીદાર સમાજના ઉચ્ચ, મધ્યમ અને આર્થિક રીતે અલ્પતા ધરાવતા ત્રણે વર્ગને એક નવી દિશા તરફ જવાનો અંગૂલી નિર્દેશ કર્યો છે. નવદંપતિનું માનવું છે કે સમાજના ભણેલા ગણેલા યુવાનો અને યુવતીઓજ લગ્નના ખોટા ભપકા અને લાખો કરોડોના ખોટા ખર્ચાઓની પરંપરામાંથી બહાર લાવશે. ચિ. મોનિકા અને ચિ. વૈભવે આર્યસમાજ વિધિથી લગ્ન કરીને સમાજને સાદગીનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

- text

બન્નેના માતા પિતાએ સહજ રીતે દીકરા દીકરીના આવા ક્રાંતિકારી વિચારો સાથે જોડાઈને સમાજને એક અંગૂલીનિર્દેશ આપ્યો છે અને પ્રેરણા પૂરી પાડી છે. બન્ને વેવાઈઓ અને નવદંપતિએ જણાવેલ કે અમોએ શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ,પાટીદાર સેવા સમાજ,મોરબી -માળિયા સમૂહ લગ્ન સમિતિની પ્રેરણા અને પ્રોત્સાહન થકી પ્રભાવીત થઈને સાદગીપૂર્ણ લગ્નનનો નિર્ધાર કરેલ હતો.

આ લગ્નવિધિ પ્રસંગે આર્યસમાજ ગુરૂકુળમાં અભ્યાસ કરતા ૧૫૦ વિદ્યાર્થીને ભોજન કરાવી સંપન્ન થયેલ હતી. આવા ઉમદા પ્રેરણાદાયી કાર્ય બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા શિક્ષણ પરિવારે પ્રમુખ મણિલાલ વી.સરડવા અને ઉદ્યોગપતિ મનસુખભાઈ અંદરપાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.

- text