પ્રદેશ કોંગ્રેસમાં મોરબીના બબ્બે આગેવાનોની વરણી

- text


ધારાસભ્ય મેરજાની પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી, જયેશ કાલરીયાને પ્રદેશ મંત્રી બનાવાયા

મોરબી : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશના માળખામાં ફેરબદલ કરવામાં આવ્યો છે જેમાં મોરબીના બે કોંગ્રેસ આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પ્રદેશ ઉપપ્રમુખ અને જયેશ કાલરીયાને પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા માળખામાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે બ્રિજેશ મેરજાને અને પ્રદેશ મંત્રી તરીકે જયેશ કાલરીયાને રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જવાબદારી સોપતા બન્ને આગેવાનોને મોરબી પંથકમાંથી ઠેર ઠેર આવકાર મળી રહયો છે. અને એક સંઘર્ષશીલા અને મૂલ્યનિષ્ઠ ગાંધી વિચારધારાને વરેલા આગેવાનોને પ્રદેશમાં મળેલ ઉચ્ચ કોટીના દરજ્જાને લીધે સર્વત્ર આનંદની લહેર ઉઠી છે.

બ્રિજેશ મેરજાએ ગુજરાત સરકારમાં ઉચ્ચ દરજ્જાના અધિકારી તરીકે એક નામના મેળવી હતી ત્યારબાદ કોંગ્રેસ પક્ષમાંથી એક જાહેર જીવન શરૂ કરીને મોરબી પંથકમાં કોંગ્રેસને બેઠી કરવાનું બિડુ ઝડપ્યું હતું. તેમની કોંગ્રેસના સંગઠન માટેની અથાગ મહેનત તેમજ પ્રજાજનો સાથેનો વિવેકપૂર્ણ વ્યવહાર તેમની આ સફળતામાં પૂરક બન્યો છે.

મોરબી જીલ્લા કોગ્રેસ ના એક સફળ સુકાની
તરીકે તેમજ રાજકોટ જીલ્લાના પડકારભર્યા કોંગ્રેસ પ્રમુખ તરીકેની કામગીરીને પણ તેમણે સફળતાપૂર્વક નિભાવી હતી સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સંગઠન માટે તેમણે વ્યાપક પ્રવાસો ખેડીને કામગીરી ખૂબ પરિશ્રમપૂર્વક નિભાવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પ્રદેશ ડેલીગેટ તરીકે તેમજ પ્રદેશ મંત્રી તરીકે તેઓ કામ કરી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશના પાંચ જેટલા પ્રમુખો સાથે તેમને પ્રદેશ કક્ષાએ સંગઠનનું કામ કરવાનો મોકો મળ્યો છે. તાજેતરમાં તેઓ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ (ગિર) જીલ્લાના ઝોનલ પ્રભારી તરીકે કામગીરી કરી રહયા છે. તદઉપરાંત કોંગ્રેસ પક્ષે વિવિધ પેટા ચુંટણીઓમાં તેમને ઈન્ચાર્જ તરીકે જે જવાબદારીઓ ભૂતકાળમાં સોપેલી એ પણ પૂરી નિષ્ઠાથી તેમણે પાર પાડી છે.

- text

હાલ તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી તરીકે કાર્યરત હતા. આમ તેમની કામગીરીને ધ્યાને લઈ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ એવા ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, અહેમદ પટેલ, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી સહિત ગુજરાતના દિગ્ગજ નેતાઓએ તેમના શિરે આ જવાબદારી સોંપી છે. તેને સફળતા પૂર્વક વહન કરવામાં તેઓ પાછીપાની નહિં કરે તેવી એમની ભૂતકાળની કામગીરી રહી છે. જુદા જુદા જીલ્લાઓમાં નિરિક્ષક તરીકે પણ તેમણે સફળતાપૂર્વક જવાબદારીઓ પાર પાડી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મુખપત્ર કૃત- સંકલ્પના સંપાદક મંડળમાં પણ તેમણે એક જવાબદાર સભ્ય તરીકે કામગીરી નિભાવીને કોગ્રેસની વિચારધારાને પ્રસરાવી છે.

૨૦૧૨ માં વિધાનસભામાં પડકારભર્યા ચુંટણી જંગમાં મોરબી બેઠક ઉપરથી ખૂબ જ ઓછા મતે હારવા છતા તેઓ સતત લોકોની વચ્ચે રહેલા અને પ્રજાના પ્રશ્નો માટે જનસંપર્ક કાર્યાલય ખુલ્લું રાખીને લોકોને મદદ કરતા રહેલા. તેમની જીવંત લોક સંપર્કની કામગીરી થકી ૨૦૧૭ માં મોરબી માળીયા (મિ) ના ધારાસભ્ય તરીકેના પડકારભર્યા જંગમાં વિજયી નિવળ્યા હતા. ધારાસભ્ય તરીકે પણ તેઓ એક જાગૃત લોક સેવક તરીકે પ્રજાના પ્રશ્નો ઉકેલવા તનતોડ મહેનત કરી રહયા છે.

આવા એક હોનહાર આગેવાનની પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે થયેલ વરણી મોરબી તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, માળીયા (મિ) તાલુકા કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ ફુલતરીયા, માળીયા (મિ) શહેર કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ ઝેડા અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર તેમજ કોંગ્રેસ સંગઠનની વિવિધ પાંખ જેવી કે યુવક, મહિલા, સેવાદળ, NSUI, બક્ષીપંચ, લધુમતી સેલ, કિશાનસેલ, અનુસુચિત જાતિ સેલ, વકિલ સેલ, સહિત સૌ કોઈએ આવકારી છે.

- text