મોરબીમાં લવ, પ્યાર ઔર ધોખા ! પ્રેમાંધ પરિણીતાનું સાત વર્ષનું સુખદ જીવન છિન્નભિન્ન કરતો પ્રેમી

- text


પ્રેમમાં પાગલ પરણીતાએ પતિને કહી દિધુ કે તારી સાથે નથી રહેવુ મને છુટાછેડા દે મારે મારા પ્રેમી જોડે જાઉ છે !!! અને અંતે પ્રેમીએ રોન કાઢી કહી દીધું મેં તો સગાઈ કરી લીધી : છેલ્લે તો પતિ જ કામ આવ્યો

મોરબી : લવ, પ્યાર ધોખા જેવી બૉલીવુડ ફિલ્મને પણ ટક્કર મારે તેવા એક કિસ્સો મોરબી પંથકમા સામે આવ્યો છે, એક સુખી સંપ્પન પરિવારની પુત્રીના મોરબીના એક ગામમાં લગ્નં થાય છે અને લગ્ન જીવનથી પરીવારજનો ખુશખુશાલ હતા અને દામ્પત્યજીવનમાં ફૂલ જેવી કોમળ બાળકીનું પણ આગમન થઈ ગયું હતું પરંતુ કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે આ કમભાગી પરણિતાના જીવનમાં પણ એક વણાંક આવ્યો અને પ્રેમાંધ બનેલ પરણિતાએ પ્રેમી પાછળ એવી તો દોટ મૂકી કે પતિ અને માસુમ બાળકીને પણ તરછોડી દીધી… જો કે બુરે કે બુરા અંજામ ઉક્તિ મુજબ પ્રેમનો પરપોટો ફૂટતા પ્રેમીએ પરણીતાને ઠુકરાવી દેતા અંતે પ્રેમમાં પાગલ બનેલી પરણિતાને પોતાના પતિ પાસે જ પાછું આવવું પડ્યું હતું અને પતિએ ઉદારદિલ ભૂલો માફ કરી માનવતાવાદી પગલું ભર્યું છે.

સમાજ માટે ચોંકાવનારા અને લાલબતીરૂપ આ કિસ્સાની વિગતો જોઈએ તો સાત વર્ષ અગાઉ મોરબીમાં પાનેતર ઓઢી દામ્પત્ય જીવનમાં પગલાં પાડનાર સંપ્પન પરિવારની પરણિતાએ લગ્ન જીવનની શરૂઆત કરી હતી જેમાં એક વર્ષ બાદ પુત્રીનો જન્મ થયો હતો અને સાસુ સસરા જેઠ જેઠાણી અને પતિ સાથે ખુશખુશાલ દિવસો પસાર થઈ રહ્યા હતા અને અચાનક ઓગસ્ટ મહિનામાં પરણિતાના પતિ નિર્મોહ ને ખબર પડી કે તેની પત્ની સંધ્યા તો મોબાઈલ ફોન પર પ્રેમલીલાના સુર વગાડી રહી છે એટલે નિર્મોહે સંધ્યાનો મોબાઈલ ફોન લઈ લેતા સમગ્ર પ્રેમલીલા છતી થી ગઈ અને પછી તો સંધ્યાએ ન બે ધડક બની કહ્યું કે શહેરમાંથી આવતા ડ્રાઈવર શ્યામને હું પ્રેમ કરું છું અને શ્યામ સાથે પ્રથમ મુલાકાત બાદ મને આ મોબાઈલ સતત સંપર્ક કરવા માટે શ્યામે જ આપ્યો હોવાનું સંધ્યાએ કબૂલાત કરતા નિર્મોહ ના પગ નીચેની જમીન સરકી ગઇ હતી અને બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે સંધ્યાએ સ્પષ્ટ શબ્દ માં નિર્મોહને કહ્યું કે મારે તારી સાથે નથી રેહવું મારે તો મારા પ્રેમી શ્યામ સાથે રહેવુ છે તું મને છૂટાછેડા આપી દે !!!

- text

વારંવાર સંધ્યા છૂટાછેડાની વાત લઈ નિર્મોહ ઉપર દબાણ કરવા લાગતી હોવાથી નિર્મોહના માતા પિતાએ સંધ્યાના માતાપિતાને વાત કરી અને કુટુંબના વડીલો દ્વારા સંધ્યાને સમજવાનો પ્રયત્ન કરાયો હતો અને વ્હાલ સોઈ એક ને એક દીકરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ પ્રેમમાં પાગલ સંધ્યા એકની બે ના થઈ…અંતે બંન્ને કુટુંબના વડીલો સાથે સંધ્યા અને નિર્મોહ રાજકોટ આવ્યા અને વકીલ દ્વારા છૂટાછેડાના દસ્તાવેજો કરવામાં આવ્યા આ દિવસે નિર્મોહના પરિવાર માથે આભ તુટી પડ્યું હોય તેવો દિવસ હોવાથી પરિવારના કોઈ પણ સભ્યે તે દિવસ જમ્યા પણ નહિ અને પ્રેમમાં પાગલ સંધ્યા ને તો જાણે સોના નો સૂરજ ઉગ્યો હોય તેમ ભર પેટ જમી લીધું હતું દીકરીને પતિના હાથ માં આપી છૂટાછેડાના કાગળો ઉપર સાઈન કરી આપી હતી પરંતુ સાસરિયા એ લાગણી વ્યક્ત કરી સંધ્યાના હાથમાં ૧૩૦૦ રૂપિયા વાપરવા આપ્યા હતા.

બીજી તરફ પ્રેમમાં આંધળી બની પતિ અને દીકરીને તરછોડી દેનાર સંધ્યાના જીવનમાં નવો વળાંક આવ્યો સંધ્યાના વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે સંધ્યા તે જેના માટે તારું લગ્નજીવન છોડ્યું છે તે શ્યામને કહી દે કે હવે તને લેવા માટે આવે ત્યારે પ્રેમમાં હરખઘેલી સંધ્યાએ તેના પ્રેમી શ્યામને ફોન કરીને જાણ કરતા શ્યામે સંધ્યાને જવાબ આપ્યો હતો કે છેલ્લા ૧૫ દિવસથી મારી સાથે વાત નહોતી કરી એટલા માટે મે તો બીજે સગાઈ કરી લીધી છે બસ આટલું કહી શ્યામે ફોન બંધ કરી દિધો હતો કેહવાય છે ને કે ધોબીનો કુતરો ના ઘરનો કે ના ઘાટનો આવી જ હાલત સંધ્યાની થઈ હતી એક તરફ સંધ્યાએ છૂટાછેડાના દસ્તાવેજો પર પોતાની સાઈન કરી દેતા પરિવારોએ સંધ્યાનો હાથ પકડવાની ના પાડી દીધી હતી તો બીજી તરફ પ્રેમી શ્યામે બીજે સગાઈ કરી લેતા સમગ્ર પ્રેમલીલા નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને એક દિવસ તો સંધ્યાને નારી સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવી હતી.

જો કે સદનસીબે નારી સુરક્ષા ગૃહ દ્વારા સંધ્યાના સાસરીયા અને માવતરને સતત અઢી માસ સુથી સમજવાનો પ્રયાસ કર્યો હતો અને સંધ્યાને તેની ભૂલનો પસ્તાવો થયો છે અને લેખિતમાં પોતાની ભૂલની માફી માંગવા અને બીજી વખત ભવિષ્યમાં પણ આવી ભૂલ નહિ થાય એવી ખાતરી આપતાં પરિણીતા સંધ્યાને તેના પતિ સાથે મોકલી આપવામાં આવી છે

ઉપરોક્ત બનાવ સત્ય હકીકત છે અને સમાજ માટે લાલબત્તી રૂપ કિસ્સો હોય અહીં પાત્રોના નામ બદલી વિગતો રજુ કરવામાં આવી છે.

- text