કન્યા પધરાવો સાવધાન, મોરબીમાં પાટીદાર પરિવારમાં ઘડિયા લગ્નનો નવો ટ્રેન્ડ

- text


ત્રણ કલાકમાં સગાઈ અને લગ્ન : ખર્ચ બચાવવા જેતપરમાં ઉમિયા સમૂહ લગ્ન સમિતિના અગ્રણીઓએ મુકેલા સાધારણ રીતે લગ્ન કરવાના પ્રસ્તાવને બન્ને પરિવારોએ સહર્ષ સ્વીકારી સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડ્યા

મોરબી : મોરબીના જેતપર ગામે બન્ને ભાઈ બહેનોના સામ-સામુ સગપણ નક્કી થયા બાદ ગઈકાલે સગાઈ કરવામાં આવી હતી. ત્યારે ઉમિયા સમુહલગ્ન સમિતિના સેવાભાવી અગ્રણીઓ દ્વારા બન્ને યુગલોના સગાઈના દિવસે જ ઘડિયા લગ્ન કરી ખર્ચ બચે તેમતે રીતે સાધારણ લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જે બન્ને યુગલના પરિવારે સહર્ષ સ્વીકારીને સાદાઈથી ઘડિયા લગ્ન લઈ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.

મોરબીના જેતપર ગામે વિપુલકુમાર જયંતીલાલ અમૃતિયા અને માયાબેન માવજીભાઈ લોરીયા તેમજ રોહિતકુમાર માવજીભાઈ લોરીયા અને તૃષાબેન જયંતીલાલ અમૃતિયાની સગાઈ હતી. ત્યારે બંને સાધારણ પરિવારો પર લગ્નના ખર્ચનો બોજ ન આવે તેવા હેતુથી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શિવાલાલ ઓગણજા અને ઉપપ્રમુખ ડો. મનુભાઈ કૈલા તેમજ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી વલમજીભાઈ અમૃતિયાએ ગઈકાલે બન્ને યુગલોના સાધારણ લગ્ન કરી નાખવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

- text

હાલ દેખાદેખી ભર્યા યુગમાં લોકો દેખાડો કરવા માટે લગ્ન કરાવવા માટે ઉછી ઉધારા કરતા હોય છે. ત્યારબાદ લગ્ન પછી વ્યાજના ચક્રમાં અટવાઈ જતા હોય છે. જેથી સાધારણ લગ્ન કરવાનો સંદેશ પ્રસરાવતા આ સામાજિક અગ્રણીઓનો પ્રસ્તાવ બન્ને પરિવારોએ સહર્ષ સ્વીકાર્યો હતો.અને કુટુંબીજનોની હાજરીમાં રીત રસમ મુજબ સાદાઈથી ઘડિયાલગ્ન કર્યા હતા, સગાઈ પૂર્ણ થયા બાદ માત્ર ૩ કલાક પછી બન્ને યુગલોના સાધારણ રીતે લગ્ન કરવામાં આવ્યા હતા. બન્ને કન્યાઓને કોઈ પણ પ્રકારના ઘરેણા કરિયાવર સ્વરૂપે આપવામાં આવ્યા ન હતા. બન્ને નવદંપતિઓએ ઉપસ્થિત વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરીને પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

આ સમૂહ લગ્નમાં ૩૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ અગ્રણીઓએ બન્ને પરિવારોને સાધારણ રીતે લગ્ન કરવાનો રસ્તો બતાવીને પોતાની જમા પૂંજી દેખા-દેખીમાં ખર્ચ કરવાને બદલે ભવિષ્ય ઉજળું બનાવવામાં વાપરવાનો સંદેશ આપ્યો હતો. ત્યારે સામે બન્ને પરિવારોએ પણ સાધારણ રીતે લગ્ન કરીને સમાજને પ્રેરણા પૂરી પાડી હતી.

- text