મોરબીની રેલવે કોલોનીમાં શોર્ટ સર્કિટથી આગ : બે ઘાયલ

- text


ટીવીમાં શોર્ટ સર્કિટ બાદ ફાટકડાનું પેકેટ સળગતા ઘરધણીને માથામાં ઇજા : ભાગવા જતા મહિલાને પણ ઇજા

મોરબી : મોરબીના સુરજ બાગ નજીક રેલવે કોલોનીના કવાટર્સમા ટીવીમાં શોર્ટ સર્કિટ બાદ ટીવી નીચે પડેલ સુતળી બોમ્બના પેકેટમાં ધૂમ – ધડાકા થતા મકાન માલિકને માથામાં સુતળી બૉમ્બથી ઇજા થઇ હતી તો ભાગવા જતા ઘરના મહિલા સભ્ય પણ ઘવાયા હતા. જો, કે આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ બુઝાવી હતી.

- text

ઘટના અંગે જાણવા મળતી મુજબ મોરબીના સુરજબાગ નજીક આવેલ જૂની રેલવે કોલોનીમાં રહેતા વિજયભાઈ વૃજલાલ પંડ્યાના ઘરે આજે અચાનક શોર્ટ સર્કિટ થતા ટીવી બળી ગયું હતું અને ટીવી નીચે પડેલા સુતળી બોમ્બના પેકેટમાં આગ લાગતા ધડા ધડ બૉમ્બ ફૂટ્યા હતા.

અચાનક જ આગ લાગ્યા બાદ સુતળી બૉમ્બ ફૂટવાનું શરૂ થતાં સામે સેટી પર સુતેલા વિજયભાઇના માથામાં સુતળી બૉમ્બ અથડાતા ઇજા પહોંચી હતી અને આ ઘટના જોઈ ડઘાઈ ગયેલા ઘરના મહિલા સભ્ય બહાર નીકળવા જતા પડી જતા તેમને પણ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.

રેલવે કોલોનીમાં આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ સ્ટાફના વિનયભાઈ ભટ્ટ, કાર્તિકભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ તુરત જ બુઝાવી દીધી હતી.

- text