મોરબી ખેલ મહાકુંભમાં તરતા ન આવડે તેવા સ્પર્ધકોને તરણ સ્પર્ધામાં ઉતારાયા

- text


રાજકોટમાં યોજાયેલ તરણ સ્પર્ધામાં ભોપાળુ છતું : ત્રણ બાળકીએ છલાંગ લગાવતા જ ડૂબવા લાગી

મોરબી : . ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય – આંતર રાષ્ટ્રીયસ્તરે પોતાની પ્રતિભા ઝળકાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ રાજકોટમાં જાણે ખેલ મહાકુંભનો ફિયાસ્કો થયો હોય તેવી રીતે તરણ સ્પર્ધામાં આવેલ ખેલાડીઓ જ ડૂબવા લાગતા ભોપાળુ છતું થયું હતું.

રાજકોટ ખાતે યોજાયેલ મોરબી જિલ્લાની તરણ સ્પર્ધામાં ટંકારા તાલુકાની એક સ્કૂલની અંડર – ૧૧ કેટગરીની ત્રણ બાળકીઓ પણ ખેલ મહાકુંભમાં ભાગ લેવા આવી હતી પરંતુ જેવો સ્ટાર્ટ જમ્પ લગાવ્યો કે આ બાળકીઓ ડૂબવા લાગતા હાજર લાઈફ ગાર્ડ દ્વારા આ બાળકીઓને બચાવવામાં આવી હતી.

આ મામલે મોરબી જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરાનો સંપર્ક સાધતા તેઓએ પણ ઘટનાએ સમર્થન આપતા બે બાળકી ડૂબતા – ડૂબતા બચી હોવાનું જણાવ્યું હતું, વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ખેલ મહાકુંભમાં મોરબી જિલ્લામાંથી કુલ ૧૦૦૦ થી વધુ સ્પર્ધકોએ સ્વિમિંગ માટે એન્ટ્રી ફોર્મ ભર્યા હતા પરંતુ સ્પર્ધામાં ફક્ત ૧૧૩ સ્પર્ધકો જ હાજર રહ્યા હતા.

- text

વધુમાં તરણ સ્પર્ધામાં ડૂબેલી બાળકીઓ બાબતે જણાવ્યું હતું કે ટંકારા તાલુકાની એક સ્કૂલ દ્વારા અંડર – ૧૧ કેટેગરીમાં ત્રણ બાળકીઓને લઈ રાજકોટ સ્પર્ધામાં આવ્યા હતા જેમાં બે બાળકી સ્ટાર્ટઅપ સમયે જ ડૂબવા લાગતા મોરબી જિલ્લાની છાપ ખરડાઈ છે, જેથી આ ગંભીર બાબતે રમત ગમત અધિકારી પ્રવિણાબેન દ્વારા શાળાનો ખુલાસો પૂછવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તરતાં આવડતું ન હોવા છતાં સ્પર્ધકોની સંખ્યા વધુ બતાવવા અનેક વિધાર્થીઓને સ્વિમિંગમાં ધકેલી દેવાની આ ઘટના ટીકાપાત્ર બની છે ત્યારે ખેલ મહાકુંભમાં વધુ સંખ્યા દર્શાવવા શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતા પ્રયોગોથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાતા હોવાનું સ્પષ્ટ બન્યું છે.

- text