હળવદ : શાળાની બાળાઓએ પાળિયાઓને બાંધી રાખડી

- text


આ એજ પાળિયા છે જે બહેન-દિકરીઓની રક્ષા કાજે ખંપી જઈ આજે ખાંભી બની ઉભા છે : વિદ્યાર્થીનીઓને પાળિયા પ્રત્યેનો ભાવ જાગૃત બને તેવા હેતુસર માર્ગદર્શન અપાયું

હળવદ : ‘એક રાખડી પાડીએ પણ મુકજા, એ રાજી થશે..’ ઉપરોકત પંકિત સાર્થક કરવા હળવદની લાંબીદેરી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નં. ૧૦ની બાળાઓએ ભવાની-ભૂતેશ્વર (રાજરાજેશ્વર સ્મશાન)માં આવેલ ખાંભીઓ, સતી – શૂરાપુરાના સ્થાનકે પૂજન – અર્ચન કરી રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

- text

આ શુભકાર્યનો શુભારંભ એ જ કે આ લાલ માટીના ગામ ગણાતા હળવદમાં ધરબાયને પડેલા રણવીરો તથા વિરાંગનાઓ કોઈકને કોઈકની રક્ષા કાજે શહીદી વ્હોરી હશે તેમાં આ ગામનો સીમાડો, બહેન – દિકરીઓની લાજ, ગાયોની વ્હારે આવા કોઈપણ નરબંકાઓ પોતાની જાનની પરવા કર્યા વિના મા-ભોમની રક્ષા કાજે નિકળી પડયા હશે અને લડતા લડતા સામી છાતીએ ઘા ઝીલીને જે તે જગ્યાએ ખાંભીથી જડાઈ ગયા છે. બાળકોમાં તેમના પ્રત્યેનો ભાવ જાગૃત બને તે હેતુસર શાળાના આચાર્ય રાજેશભાઈ ગાંભવા, શિક્ષક દિપકભાઈ ચૌહાણ, રાજેશભાઈ ડોડીયા, શિક્ષીકા પન્નાબેન દવેના માર્ગદર્શન હેઠળ શુભકાર્ય કરવામાં આવ્યું હતું. તેમજ રક્ષાબંધનના પવિત્ર દિવસે શાળાની બાળાઓએ પાળિયાઓને રાખડી બાંધી હતી. આ પ્રસંગે શાળાની બાળાઓને પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

- text