મોરબીના જતેપર ગામે ડોકટરના સમર્થનમાં ગ્રામજનોનું આંદોલન યથાવત

- text


ડોકટર સામે નોંધાયેલ એસ્ટ્રોસિટી અને છેડતીની ફરિયાદ તાત્કાલિક રદ કરવાની માંગણી સાથે બે દિવસથી ધરણા ચાલુ

મોરબી : મોરબીના જેતપર ગામે સરકારી હોસ્પિટલના તબીબ સામે નોંધાયેલી છેડતી અને એસ્ટ્રોસિટીની ફરિયાદના વિરોધમાં ગ્રામજનોએ સતત બીજા દિવસે આંદોલન ચાલુ રાખ્યું છે. આજે બીજા દિવસે ગ્રામજનોએ છાવણી ઉભી કરીને વિરોધ નોંધાવ્યો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયા તાલુકાના ઘાટીલા ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતિને તાવ આવતો હોવાથી તેના નિદાન અર્થે ગત તા. ૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં જેતપર ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગઈ હતી. તે સમયે યુવતિના નિદાનના બહાને સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો. ડેનિશ પરસાણીયાએ જાતીય સતામણી કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે યુવતીએ તાલુકા પોલીસ મથકે છેડતી અને એસ્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.

- text

આ ડોકટર સામે થયેલ ફરિયાદ ખોટી હોવાનું જણાવીને જેતપરના ગ્રામજનો દ્વારા ગઈકાલે રોષપૂર્ણ રીતે સરકારી દવાખાનાને તાળાબંધી કરી ડોકટરના સમર્થનમાં ગામ બંધ પાડ્યું હતું. બાદમાં ગ્રામજનોએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને બનાવ સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદન પણ પાઠવ્યું હતું.

ત્યારે આજે ડોકટરના સમર્થનમાં ગ્રામજનોએ સતત બીજા દિવસે ધરણા આંદોલન શરૂ રાખ્યું છે. ગ્રામજનોએ છાવણી ઉભી કરીને ડોકટર પર નોંધાયેલ ફરિયાદ સામે વિરોધ દર્શાવ્યો છે. આ ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.

- text