મોરબીના ૯ ગામોને મચ્છુ – ૨ કેનાલમાંથી પાણી આપવા ડીપીઆર મંજુર

- text


મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પાનેલી ગામના સરપંચની ફરિયાદ બાદ પાણી પુરવઠા તંત્ર દોડતું

મોરબી : મોરબી તાલુકાના પાનેલી સહિતના નવ ગામોને મચ્છુ – ૨ યોજના કેનાલમાંથી પાણી આપવા મામલે અંતે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન ઉઠાવવામાં આવતા પાણી પુરવઠા તંત્ર દોડતું થયું છે અને આ માટે ડીપીઆર બનાવ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનો લેખિત જવાબ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના પાનેલી સહિતના નવ ગામોને પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે મચ્છુ – ૨ યોજના કેનાલમાંથી પાણી આપવા લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી. પરંતુ પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ જવાબ ન અપાતા અંતે પાનેલી ગામના સરપંચ દ્વારા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.

- text

દરમિયાન મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં પ્રશ્ન જતા પાનેલી ગામના સરપંચ ગીતાબેન પ્રભુભાઈ ચાવડાને પાણી પુરવઠા બોર્ડ દ્વારા મચ્છુ – ૨ કેનાલમાંથી પાણી આપવા સંદર્ભે પેટા વિભાગીય કચેરીને ડીપીઆર બનાવી ચકાસણી માટે મોકલી અપાયો હોવાનું અને ડીપીઆરની ચકાસણી થયા બાદ આ યોજના અંગે ટેન્ડર પ્રક્રિયા કરી યોજના સાકાર કરવામાં આવનાર હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો.

આમ, પાનેલી સહિતના નવ ગામો માટે આવનાર દિવસોમાં આ યોજના સાકાર થતા પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવે તેમ હોવાનું મનાઇ રહયુ છે.

- text