વાંકાનેરમાં આધાર કાર્ડ કઢાવવામાં પ્રજાને હેરાનગતિ

- text


વાંકાનેર : વાંકાનેરમાં આધારકાર્ડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. દૂર-દૂર ગામડેથી આવતી પ્રજા હાલાકી ભોગવી રહી છે, વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલનો કીંમતી સમય બગાડી આધારકાર્ડ માટે મામલતદાર ઓફિસના ધક્કા ખાઇ કંટાળી ગયા છે પરંતુ તેઓને સમયસર આધારકાર્ડ ન મળી રહ્યા હોય હેરાન પરેશાન થઇ રહ્યા છે.

વાંકાનેરમાં અત્યાર સુધી આધાર કાર્ડ કાઢવા માટે 4 કિટ કાર્યરત હતી પરંતુ છેલ્લા અમુક સમયથી બજારમાં આવેલ જૂની મામલતદાર ઓફિસે કિટ બંધ કરેલ છે અને સેવાસદન રાજકોટ રોડ પર બે કિટ ચાલુ છે જેથી ગામડેથી આવતા લોકોને ફરજીયાત રીક્ષા ભાડા ખર્ચી નવી મામલતદાર ઓફિસે ધક્કા ખાવા પડે છે. ત્યાં પણ બે કિટ ચાલુ હોય દરરોજ અંદાજે ૩૫ થી ૪૦ આધારકાર્ડની કામગીરી થઇ રહી છે અને વાંકાનેર તાલુકો મોટો હોય રોજના લગભગ ૧૦૦ લોકો આધારકાર્ડની કામગીરી માટે આવતા હોય ઘણા લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે.

- text

જો તમારે અત્યારે આધાર કાર્ડ બનાવવું હોય કે બનેલ આધાર કાર્ડ મા સુધારો કરવો હોય તો એક મહિના પછી વારો આવે તેવી શકયતા છે આમ એક દોઢ મહિનાના વેટિંગ બાદ આપનો વારો આવતો હોય તાલુકાની પ્રજા કંટાળી ગઈ છે. જેમાં ખાસ તો વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન થઇ રહ્યા છે આ આધાર કાર્ડની કામગીરીમાં ટંકારા નો એક સુપરવાઇઝર ઓપરેટરને ખુબ હેરાન પરેશાન કરતો હોવાનું પણ જાણવામાં આવેલ છે.

આ અંગે લોકો દ્વારા સરકારી તંત્રને અનુરોધ છે કે વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન અને ગામડાની જનતાને આ મુશ્કેલીમાંથી રાહત મળે એ માટે જૂની મામલતદાર ઓફિસે તેમજ નગરપાલિકા કચેરીએ આધારકાર્ડની કામગીરી ચાલુ કરાવવા વિનંતી અને આ સુપરવાઇઝરને તેની ફરજનું ભાન કરાવવું અતિ આવશ્યક છે.

 

- text