મોરબીમાં અનોખું અભિયાન : એસએમએસ કરો એટલે પાલિકાની ટીમ ઘરે આવી વૃક્ષ વાવી જશે

- text


મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો નવતર કોન્સેપ્ટ, શહેરને ગ્રીન બનાવવા આ રીતે ૨૫ હજાર વૃક્ષો વવાશે

મોરબી : મોરબીને ગ્રીન સીટી બનાવવા નગરપાલિકા દ્વારા નવીનતમ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરીજનો માત્ર એક નંબર પર એસએમએસ કરશે એટલે નગરપાલિકાના ટીમ તેમની ઘરે જઈને વૃક્ષારોપણ કરશે. પાલિકા દ્વારા આ પ્રકારે શહેરમાં ૨૫ હજાર થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે દિન પ્રતિદિન ગરમીનો પારો વધતો જઇ રહ્યો છે. જેની સામે રક્ષણ આપતા વૃક્ષોની સંખ્યા ઘટતી જઇ રહી છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા એક નવો જ કોન્સેપ્ટ લઈને આવી છે. શહેરીજનો માત્ર એક મેસેજ કરશે એટલે પાલિકા ઘરે આવીને ગુલમોહોર, વડ, સપ્ત્પારણી, કાશીદ, પીપળો,બોરસલ્લી અને ગરમાળો સહિતના વૃક્ષો વાવી જશે. આ માટે નાગરિકોએ મો.નં. ૯૯૭૮૯૧૩૩૦૩ ઉપર એસએમએસમાં નામ, સરનામું, ગમતા વૃક્ષ નું નામ અને કેટલા રોપા રોપાવવા ઈચ્છો છો એની સંખ્યા મોકલવાની રહેશે.

- text

‘મોરબી અપડેટ’ સાથેની વાતચીતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ આ નવીનતમ કોન્સેપ્ટ વિશે જણાવ્યું કે મોરબીમાં વસ્તીના પ્રમાણમાં ગ્રીનરી નથી. ઘર આંગણે વૃક્ષ વાવવામાં લોકોનું વલણ ઉદાસીન રહ્યું છે. જેથી પાલિકા દ્વારા ઘરે ઘરે જઈને વૃક્ષારોપણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા દ્વારા આ પ્રકારે અભિયાન ચલાવીને કુલ ૨૫ હજારથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વધુમાં ચીફ ઓફિસરે જણાવ્યું કે તેઓ સુરેન્દ્રનગરમાં ફરજ પર હતા તે દરમિયાન પણ તેઓએ આ પ્રકારનું અભિયાન હાથ ધર્યું હતુ. જેમાં માત્ર એક જ દિવસમાં ૫ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. અંતમાં તેઓએ ઉમેર્યું કે લોકોને રોપો ખરીદવો, ખાડો ખોડવો અને ખાતર નાખવું આ બધી જંજટ ન કરવી પડે તે માટે પાલિકાની ટીમ જ પોતાના હાથે વૃક્ષારોપણ કરશે.

મોરબી નગર પાલિકાનું વૃક્ષારોપણ માટેનું આ અભિયાન આવકારદાયક છે. પરંતુ મોરબી પાલિકાના અન્ય અભિયાનની જેમ આ કાગળ પર રહે છે તેનો વાસ્તવિક અમલ થાય છે તે જોવું રહ્યું.

- text