ટંકારાના ગાયત્રીનગર પાસેના રોડનું સમારકામ કરવા અને દબાણ હટાવવાની માંગ

- text


ગાયત્રીનગરના રહીશોનું મામલતદારને આવેદન : તાકીદે કાર્યવાહી નહી થાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

ટંકારા : ટંકારામાં મોરબી નાકાથી સ્મશાન સુધીના રોડ પર મસ મોટા ખાડા હોવાથી વાહનચાલકો માટે આ રોડ શિરદર્દ સમાન બન્યો છે. ઉપરાંત આ રોડ પર ગેરકાયદેસર દબાણો પણ આવેલ છે. ત્યારે આ અંગે ત્વરિત કાર્યવાહી કરવા ગાયત્રીનગરના રહીશોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું અને જો તાકીદે કાર્યવાહી નહિ થાય તો ગાંધી ચીંધ્યામાર્ગે આંદોલન કરવાનું પણ જણાવ્યું હતું.

ટંકારા શહેરમાં છાપરી થી અમરાપર સુધીના રસ્તાની હાલત અતિ દયનીય હોય રોડ ઉપર રીતસર ના મસમોટા ખાડા વાહનચાલકોનો માથાનો દુખાવો બન્યો છે ત્યારે આ બાબતે તાત્કાલિક રોડનું કામ ચાલુ કરાવી નવો માર્ગ બનાવવા માટે ગાયત્રીનગર ના રહીશો એ આજે ટંકારા મામલતદાર ને લેખિત રજૂઆત કરી હતી તો આ સાથે આ રોડ ઉપર સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોય તદુપરાંત ૧૦૮ ઇમરજન્સી નું હેડક્વાર્ટર પણ અહીં જ હોય ઈમરજન્સી સેવા વખતે પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. જયારે તાલુકા મથક ની સૌથી મોટી સરકારી પ્રાથમિક શાળા ગાયત્રીનગર અને બી.આર.સી.ભવન સાથે મોટુ સ્મશાન હોય એ સાથે પાટીદાર સમાજની વાડી પણ આજ હાઇવે ઉપર હોવાથી લગ્ન પ્રસંગ અને દુઃખદ પ્રસંગોમાં પણ આ હાઇવે પર આવવું માથાના દુખાવા સમાન હોય તો અમરાપર ટોળ ને જોડતો મુખ્ય રસ્તો પણ આજ છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ બાબતે ઘટતું કરવા રજુઆતમાં જણાવ્યું હતું.

- text

ઉપરાંત રોડની બન્ને સાઈડ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખડકાયેલા મસમોટા બાંધકામો તાત્કાલિક દૂર કરવા અને તેને તોડી પાડવા પણ ઉગ્ર રજુઆત કરી હતી મુખ્ય રસ્તો હોય અને ત્યાંથી સ્વભાવિક રીતે રોજ હજારો વાહનોની અવરજવર થતી હોય. વાંકાનેર ને જોડતો શોર્ટકટ રૉડ હોવાથી માટેલ અમરાપર અરણીટીંબા કોઠારીયા ગામ ને જોડતો રસ્તો પણ અહીંથી જ પસાર થાય છે તો આ રસ્તા ઉપર ખડકાયેલા દબાણ થી વારંવાર વાહનોની કતારો લાગવાથી લઈ ચોમાસાના દિવસોમાં પાણીના નિકાલ ના કારણે આ રસ્તો બેટમાં ફેરવાય જતો હોય દબાણો દૂર કરવા પણ રજુઆત કરી હતી.

અંતમાં નગરજનોએ મામલતદાર ટંકારા ને જણાવ્યું હતું કે અમારી આ રજૂઆતને તાત્કાલિક ધોરણે ન્યાય નહીં મળે તો આગામી દિવસે ગાંધી ચિંઘ્યા રાહે ઉપવાસ કરવાની ફરજ પડશે ત્યારે સ્વભાવિક રીતે જોવું એ રહ્યું કે ખીજડીયા ચોકડી અને લતીપર ચોકડીએ ખડકાયેલા દબાણોને દૂર કરનાર તંત્ર અમરાપર રોડ ઉપરના દબાણો દૂર કરે છે કે નહીં એ તો આવનાર સમય જ બતાવશે.

- text