મોરબીના બગથળા ખાતે મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતમાં યોજાયો જળ અભિયાન કાર્યક્રમ

- text


મુખ્યમંત્રીના હસ્તે મોરબીના બગથળા ગામે પાણી પુરવઠાના યોજના, આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને પુર સંરક્ષણ દિવાલના કામનું ખાતમુહૂર્ત

જળ અભિયાનમાં જનશક્તિનો પરસેવો જળશાયોમાં પારસમણી બની સંગ્રહિત થશે : વિરોધી લોકો ખોટી વાતો અને ભ્રમ ફેલાવે છે, તેનાથી સાવચેત રહેજો :  રૂપાણી

મોરબી : મોરબીના બગથળા ગામે જળ અભિયાન અંતર્ગત ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં જનશક્તિનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો છે. જ્ઞાતિ-જાતિ, ધર્મનો ભેદ ભૂલી જનશક્તિ જળાશયોની સંગ્રહશક્તિ વધારવા માટે આકરા ઉનાળામાં પરસેવો પાડી રહી છે. આગામી ચોમાસા દરમિયાન આ પરસેવો પારસમણી બની જળસ્વરૂપે એકત્ર થશે. આ પારસમણીથી સૌરાષ્ટ્રમાં દુષ્કાળ ભૂતકાળ બની જશે. જળ અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છે.

મોરબી જિલ્લાના બગથળા ગામ ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં શ્રમદાન કર્યાબાદ યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રીએ લોકોને સંબોધતા ઉપર મુજબ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના લોકો ભૂતકાળના દુષ્કાળના કારમા દિવસો યાદ છે. મહિલાઓને બે બેડા માટે બે ગાંઉ સુધી ભટકવું પડતું હતું. પણ, આ સરકારે પાણીની બાબતને અગ્રતા આપીને વિવિધ પ્રકારના કામો કર્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાના પાણી છેક કચ્છ સુધી પહોંચાડ્યા છે. હવે, સૌની યોજનાથી સૌરાષ્ટ્રની ધરતી નંદનવન બનશે અને ૧૧૫ ડેમો મા નર્મદાના નિરથી ભરવામાં આવશે. રૂ. ૧૧ હજાર કરોડના કામો ચાલી રહ્યા છે. ત્યારે, ભવિષ્યની પેઢીને જળનો સમૃદ્ધ વારસો મળશે અને દુષ્કાળને દેશવટો મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં તા.૧ મેના રોજ જ્યારે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ થયો ત્યારે ૫૨૭ સામે અત્યારે ૪૫૦૦ વધુ જેસીબી, ૨૦૦૦ સામે અત્યારે ૧૪૦૦૦ ટ્રેક્ટર ડમ્પર, ૫૨૫ સંસ્થાઓ સામે હાલે ૨૬૦૦ અને ૨૭૦૦૦ શ્રમિકો સામે અત્યારે સવા ત્રણ લાખ શ્રમિકો કામ કરે છે. આ ધરતી આપણી માતા છે અને નદી લોકમાતા છે. આપણે સૌ આ ધરતી અને નદીના સંતાનો છીએ. ત્યારે, આ ધરતીને પાણીથી તૃપ્ત કરવાની જવાબદારી સૌ કોઇની છે. તે જવાબદેહી ગુજરાતની જનતાએ સુપેરે ઉઠાવી છે. નદીઓના ઓવારા સાફ કરવામાં આવી રહ્યા છે અને શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે.

આ જળ અભિયાનથી ૧૧ હજાર લાખ ઘન ફૂટ સંગ્રહ શક્તિ વધશે. જળાશયો આસપાસના વિસ્તારોમાં ભૂતળમાં મીઠા પાણી આવશે, જળતળ વધશે. જેનાથી જીવમાત્રનું કલ્યાણ થશે. રૂપાણીએ એમ પણ જણાવ્યું કે સુજલામ્ સુફલામ્ જળ અભિયાને મળેલા વ્યાપકપ્રતિસાદને પગલે રાજ્ય સરકારે
નિર્ણય કર્યો છે કે આગામી ત્રણ વર્ષ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. તેમણે દરિયા કિનારે ડિસેલીનેશન પ્લાન્ટ અને વોટર રિસાયક્લિંગ પોલીસીની વિગતો પણ જણાવી હતી.

- text

મુખ્યમંત્રી રૂપાણીએ વિરોધીઓને સાફસાફ સંભાળી દીધું હતું કે રાજ્ય સરકાર લોકહિતને લક્ષ્યમાં રાખી કામ કરી રહી છે અને અમારી કાર્યસંસ્કૃતિમાં જનહિત છે. એટલે, અમે વ્યાપક અભિયાન ચલાવ્યા છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ જળ અભિયાનમાં ૨૪૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે પણ, એવું કહેનારા સાંભળી લે કે મૂળ બજેટ રૂ. ૨૦૦ કરોડની છે તો ૨૪૦૦ કરોડનું કૌભાંડ કેવી રીતે થઇ શકે ? કેટલાક લોકો એવું કહેતા ફરે છે કે ઘાસ ખરીદીમાં ગોટાળા થયા છે. તો આ લોકો એ વાત જાણી લે કે રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષથી ઘાસની ખરીદી જ કરાઇ નથી. વિરોધી લોકો ખોટી વાતો અને ભ્રમ ફેલાવે છે, તેનાથી સાવચેત રહેવા તેમણે લોકોને અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. તેથી જ અત્યારે ગુજરાતમાં પ્રતિદિન એસીબીની રેડ પડે છે. ભ્રષ્ટાચારીઓને છોડવામાં નથી આવતા. સરકારનું શાસન પારદર્શક બને એ માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે દેશને આઝાદી મળી એ બાદ રાજયમાં ચલાવવામાં આવેલું આ સૌથી મોટુ જળ અભિયાન છે. તેનાથી સૌ કોઇને ફાયદો થશે. આ પાણી પર ભવિષ્યની પેઢીનો પણ અધિકાર હોવાથી તેનો સદ્દઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. કલેક્ટર આર. જે. માંકડિયાએ શાબ્દિક સ્વાગત કરી જળ અભિયાનની મોરબી જિલ્લાની સ્થિતિની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તદ્દઉપરાંત પુર સંરક્ષણદિવાલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે, રૂ. ૧૧.૨૫ કરોડની પાણી પુરવઠા યોજના, બે રોડના ખર્ચથી બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૭.૬૮ કરોડના ખર્ચથી બનેલા ૬૬ કેવી બગથળા વીજ સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

સાંસદ મોહનભાઇ કુંડારિયા અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ પ્રત્યેકના રૂ. ૧.૫૧ લાખ તથા રાઘવજીભાઇ ગડારાએ રૂ. ૧.૨૧ લાખ જળ અભિયાનમાં અનુદાન પેટે આપ્યા હતા. આ ઉપરાંત સિરામિક એસોસીએશન દ્વારા રૂ. ૧૧,૧૧,૧૧૧નો ચેક કન્યા કેળવણી નિધિમાં અર્પણ કર્યો હતો.અન્ય સંસ્થાઓએ પણ આ પ્રકારનો સહયોગ આપ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે ૧૦૪ સનદનું વિતરણ તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માંકડિયા, ચેરમેન રાજુભાઇ ધ્રુવ, સરપંચ હરિશભાઇ કાંઝિયા, અગ્રણી મેઘજીભાઇ કણઝારિયા, જ્યોતિસિંહ જાડેજા, હિરેન પારેખ, બિપીનભાઇ દવે, પ્રવીણભાઇ પટેલ, નકલંગ મંદિરના મહંત દામજી ભગત, પ્રભારીસચિવ મોના ખંધાર, રેન્જ આઇજી ડી. એન. પટેલ, ડીડીઓ એસ. એમ.ખટાણા, એસપી જયપાલસિંહ રાઠોડ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીતિન પટેલ અંગે પ્રશ્ન પૂછતા મુખ્યમંત્રીએ ચાલતી પકડી

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે મોરબીના બગથળા ગામે પધાર્યા હતા. ત્યારે નીતિન પટેલના રાજીનામાંની અટકળો વિષે મુખ્યમંત્રીને પત્રકારોએ પ્રશ્ન પૂછતા તેઓએ જવાબ આપવાનું ટાળીને ચાલતી પકડી હતી.
મુખ્યમંત્રી રૂપાણીને પત્રકારોએ હાલ જે નીતિન પટેલના રાજીનામાંની અટકળો સોશ્યલ મીડિયામાં ચાલી રહી છે તે અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો જોકે આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે સીએમએ ચાલતી પકડી હતી જેથી અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.

 

- text