મોરબી : આમા સ્વચ્છ ભારત મિશન ક્યાંથી સાકાર થાય ? વસ્તી વધારા સામે સફાઈ કામદારો ઘટયા

- text


મોરબી વાલ્મિકી સમાજના અગ્રણી દ્વારા નગર – મહાનગર પાલિકામાં તાકીદે સફાઈ કામદારોની ભરતી કરવા માંગ

મોરબી : એક તરફ સરકાર દેશભરમાં સ્વચ્છ ભારત મિશન પાછળ કરોડોનું આંધણ કરી રહી છે તો બીજી તરફ નગરો – મહાનગરોમાં મોટાપાયે વસ્તી વધવા છતાં સફાઈ કામદારોની ભરતી થઈ નથી પરિણામે શહેરી વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થાપન ગોટાળે ચડ્યું છે, આ સંજોગોમાં મોરબીના વાલ્મિકી સમાજના અગ્રણીએ શહેરી વિકાસ વિભાગને રજુઆત કરી તાકીદે સફાઈ કામદારોની ભરતી કરવા માંગ કરી છે.

મોરબીના વાલ્મિકી અગ્રણી બકુલભાઈ પઠાણે રજુઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે શહેરી વસ્તી વિસ્તાર વધ્યા હોવા છતાં નગર પાલિકાઓમાં સફાઇ કર્મચારીઓની જગ્યાઓ વધારવા જોઇએ તેના બદલે ઘટાડવા પ્રયાસ કર્યા છે. આથી નગર પાલીકાઓને સફાઇ કામદારોની કાયદેસર ભરતી થાય એ માટે જનરલ બોર્ડનો ઠરાવ કરી સરકારની મંજુરી મેળવવા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપવી જોઇએ.

- text

હાલમાં રાજ્યની લગભગ નગર પાલિકાઓ જુના સેટ અપ મુજબ ચાલી રહી છે. દરેક શહેરો અને નગરોમા સફાઇ કામદારોના અપૂરતા સ્ટાફના કારણે સફાઇ કામદારો સામે સફાઇ કામ કરવાની બેદરકારીની ફરિયાદ ઉઠે છે. અમુક શહેરોમાં તો સફાઇ કામદારોને સફાઇ કામ બાબતે મારપીટ કરવામાં પણ આવે છે.

આ જટીલ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના સ્વસ્થ ભારત અભિયાન સામે આમ જન સમાજ દ્વારા અંગૂલી નિર્દેશ થઇ રહ્યો છે. આથી ગુજરાત શહેરી વિકાસ વિભાગે કોઇ જાતના વિલંબ વગર ઉપરોક્ત સફાઇ કામદારોની કાયદેસરની ભરતીઓ બાબતે નવા સેટઅપને મંજુરીની મહોર માટે ઘટતી કાર્યવાહી કરવા અંતમાં માંગણી ઉઠાવી હતી.

 

- text