સ્મશાનભૂમિ વિવાદમાં કલેકટર કચેરીમાં પરિવાર સાથે ધામા નાખતા ખાનપરના ખેડૂતો

- text


ટ્રેકટરોમા ગાદલા ગોદડા સાથે અને અન્ય નાના મોટા વાહનોમાં ખેડૂતો ખાનપરથી રેલી સ્વરુપે કલેકટર કચેરીએ પહોંચતા મામલો ગરમાયો

મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે દલિત સમાજને ફાળવવામાં આવેલી ૨૦ ગુઠા સ્મશાનભૂમિની જમીનના વિરોધમાં ગ્રામજનોએ ત્રણ દિવસમાં આ હુકમ રદ કરવા આપેલ અલ્ટીમેટમની મુદત પૂર્ણ થતાં જ આજે સવારથી ખાનપરના ખેડૂતો કુટુંબ કબીલા સાથે ઘરવખરીના સમાન સાથે રેલી સ્વરૂપે કલેકટર કચેરીમાં ધામાં નાખતા મામલો ફરી એક વખત ગરમાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખાનપર ગામે પહેલા દલિત સમાજને સ્મશાનભૂમિ માટે વધારાની ૨૦ ગુઠા જમીન ફાળવાતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરી ખરાવાડની આ જમીનમાંથી સ્મશાન માટે ફાળવણી રદ કરવા માંગણી કરી કલેકટર કચેરી ગજાવી હતી.

- text

દરમિયાન ત્રણ દિવસ પૂર્વે ખાનપરના ખેડૂતોએ ૧૦૭ ગામના સરપંચોની સહી અને લેટરપેડ સાથે આ ફાળવણી રદ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું જેની મુદત આજે પૂર્ણ થતાં ખેડૂતો સવારથી જ દસ ટ્રેકટર અને અન્ય નાના મોટા વાહનો લઈ પરિવાર સાથે જિલ્લા કલેકટર કચેરીમાં ધામા નાખતા કલેકટર તંત્રને ઉપાધિ થઈ પડી છે. ખેડૂતો પોતાના પરિવારના બાળકો અને વૃધ્ધો તેમજ મહિલાઓ સાથે ગાદલા ગોદડા અને અન્ય જરૂરી સમાન સાથે ધામ નાખતા કલેક્ટર કચેરીએ ભારે અફડાતફડી મચી ગઈ છે. જયારે બીજું બાજુ પોલીસે કલેક્ટર કચેરીએ ખેડૂતના આંદોલનના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ત્યારે હવે આ સંજોગોમાં ખાનપરના ખેડૂતોની માંગણીને લઈ જિલ્લા કલેકટર કેવો રવૈયો અપનાવે છે એ જોવું રહ્યું.

- text