વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં પૂરતો સહયોગ આપવાનો હુંકાર કરતા મોરબીના અગ્રણીઓ

- text


વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના રૂ.૧ હજારના કરોડના સમાજલક્ષી પ્રોજેકટને મૂર્તિમંત કરવા અર્થે મોરબીમાં સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહ યોજાયો

અમદાવાદમાં 150 વીઘા જમીન ઉપર એક હજાર કરોડના ખર્ચે શૈક્ષણિક , સામાજિક, આરોગ્ય, કૃષિ તેમજ વિશ્વ કક્ષાના માં ઉમિયાનું ભવ્ય મંદિર સહિતના વિવિધ પ્રોજેકટ આકાર પામશે
મોરબી : અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામના રૂ.૧ હજારના કરોડના સમાજલક્ષી પ્રોજેકટને મૂર્તિમંત કરવા અર્થે મોરબીના જોધપર ખાતે આવેલા મેટ્રો પાર્ટી પ્લોટમાં આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

પાટીદાર અગ્રણીઓ દ્વારા વિશ્વભરના પાટીદારોના જોડાણ અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થાનું વડું મથક અમદાવાદ ખાતે સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત સંસ્થા દ્વારા અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આશરે 150 વીઘા જમીન ઉપર એક હજાર કરોડના ખર્ચે શૈક્ષણિક , સામાજિક, આરોગ્ય, કૃષિ તેમજ વિશ્વ કક્ષાના માં ઉમિયાનું ભવ્ય મંદિર સહિતના વિવિધ પ્રોજેકટ આકાર પામશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ૫૦૦ ટ્રસ્ટીઓ કાર્યરત રહેશે. જે આગામી સમયમાં સમાજની પાર્લામેન્ટ બની રહેશે. આમ વિશ્વના પાટીદારોનું વૈશ્વિક સંગઠન ૨૧મી સદીમાં નવી ક્ષિતિજો સર કરશે. સંસ્થાના આ સંકલ્પને મૂર્તિમંત કરવા માટે મોરબીના જોધપરમાં સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાને પૂરતો સહયોગ આપવાનો હુંકાર કર્યો હતો.

- text

હાલ કડવા પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ કાર્યરત છે. પરંતુ આ સંસ્થાઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આ તમામ સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવશે. હાલ ૨૧૧ જેટલા ઉમિયાધામો છે. આ તમામને સંગઠિત કરવામાં આવશે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે નિર્માણ પામનાર વિશ્વ ઉમિયાધામમાં સિનિયર સિટીઝનોને રહેવા માટે રૂમો, વિદેશીઓ માટે એન.આર.આઈ. ભવન, હોસ્પિટલ અને ભોજન શાળા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.

આ સાથે સંસ્થા દ્વારા દેશ વિદેશમાં વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલયો બનાવવામાં આવશે. બેરોજગારો માટે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે.સંસ્થા દ્વારા હાલ અમેરિકામાં ૭ મંદિરોનું નિર્માણ કાર્ય ચાલુ છે.ભારતીય સંસ્કારો જળવાઈ રહે તેમજ સમાજના લોકો વિવાદને લઈને કોર્ટ કચેરીએ જવાને બદલે સમાજના વડીલો પાસે જાય તેવા અનોખા હેતુથી આ સંસ્થા કાર્યરત રહેશે.

વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન ડિસેમ્બર ૨૦૧૮ માં કરવામાં આવશે. વિશ્વ ઉમિયા ધામ સમગ્ર દેશ માટે એક ટુરિઝમનું સેન્ટર બનશે. જેના કારણે રાજ્યને ઘણો ફાયદો થશે.હાલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેપ્ટર અમદાવાદ,સુરત અને મોરબી શહેરમાં શરૂ કરવામાં આવ્યા છે.

સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહમાં અધ્યક્ષ સ્થાને અજંતા ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ પટેલ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચીફ કો-ઓર્ડિનેટર સી.કે.પટેલ, સંયોજક આર.સી.પટેલ, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, જેરામભાઈ વાસજાળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, અજંતા ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલ, સિમ્પોલો ગ્રૂપના ઠાકરશીભાઈ અઘારા,જીતુભાઇ પટેલ , વરમોરા ગ્રુપના પરસોતમભાઈ વરમોરા ,ગોવિંદભાઇ વરમોરા, કે.જી. કુંડારીયા મોરબી સીરામીક એસોના પ્રમુખો મુકેશ કુંડારીયા , નિલેશ જેતપરીયા કિરીટ પટેલ , વિવિધ સંગઠનોના પ્રમુખો તેમજ પાટીદાર અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text