મોરબીમાં ભૂકંપગ્રસ્ત શિવમંદિરનો રૂ.૨ કરોડના ખર્ચે કરાયો જીણોદ્ધાર

- text


મંદિરનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થતાં ૨૧મીથી ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

મોરબી : મોરબીના જેતપર (મચ્છુ) ગામે આવેલુ વર્ષો પુરાણુ શિવ મંદિર ભૂકંપમાં ડેમેજ થયું હતું. એક વર્ષ પહેલાં આ મંદિરને મૂળ સ્વરૂપમાં રાજસ્થાની મારબલ પથ્થરથી રૂ.૨ કરોડના ખર્ચે ભવ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ શિવ મંદિરનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જતા આગામી ૨૧મીથી ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી ઉજવવામાં આવશે.

મોરબીના જેતપર (મચ્છુ) ગામે મહાકાલેશ્વર મહાદેવ સેવક સમુદાય તથા સમસ્ત જેતપર ગામ દ્વારા તા.૨૧ થી ૨૩ મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો પુનઃમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૧ના રોજ હોમ હવન યજ્ઞ, નગરયાત્રા, તા.૨૩ના રોજ ધર્મસભા, મહાપ્રસાદ, સંતવાણી તેમજ હાસ્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ અંગે ગામના અગ્રણી કે. એસ. અમૃતિયાએ જણાવ્યું હતું કે જેતપર ગામે આવેલા આ શિવાલયને ૨૦૦૧માં આવેલ ભૂકંપના કારણે ભારે નુકશાન થયું હતું. એક વર્ષ પહેલાં ભૂકંપમગ્રસ્ત આ શિવાલયના પુનઃનિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજસ્થાનથી મારબલ પથ્થરો મંગાવીને ઐતિહાસિક રીતે કોતરણી કામ કરીને શિવાલયને બેનમૂન બનાવવામાં આવ્યું છે. આ શિવાલયને રૂ.૨ કરોડના ખર્ચે સંપૂર્ણ પણે તૈયાર કરવામાં આવ્યું છે. આ શિવાલયમાં ભગવાન શિવજી ની સાથે ગણેશ, કૃષ્ણ અને હનુમાનજી બિરાજમાન છે. મંદિરમાં બહારગામ થી આવતા ભક્તો અને સાધુ સંતો માટે ભોજન અને ઉતારાની પણ વ્યવસ્થા છે.

મંદિરના મહંત બલરાજગીરીએ જણાવ્યું કે મહાકાલેશ્વર મહાદેવ મંદિર અંદાજે ૪૦૦થી ૫૦૦ વર્ષ પુરાણું છે. મૂળ મંદિરમાં ત્રણ શિવલિંગ છે. જેને નિજ ગુફામાં રખાયા છે. અમારા ગામના પુરોગામી વડીલો થી આ મંદિરની પૂજા અર્ચના થતી આવે છે. આગામી ૨૧મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ થી ઉજવવામાં આવશે જેમાં સમગ્ર ગામ હરખભેર જોડાશે.

- text