ઓણસાલ મોરબી જિલ્લામાં ઘાસચારો – શાકભાજીની અછત સર્જાશે

- text


સારું ચોમાસુ છતાં મોરબી જિલ્લામાં ઉનાળુ વાવેતર ૭૮ ટકા ઘટ્યું

મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થવા છતાં જમીનના તળમાં પાણી ઘટી જતાં ઉનાળુ વાવેતરમાં ૭૮ ટકાનો ઘટાડો નોંધાયો છે અને ખેડૂતોએ પાણીના અભાવે પશુઓ માટેનો ઘાસચારો અને શાકભાજીના વાવેતર ન કરતા ઓણ મોરબી.આ સ્થાનિક બજારમાં ઘાસચારો – શાકભાજી મોંઘા થવાના એંધાણ જોવાઇ રહ્યા છે.

મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સતાવાર આંકડા મુજબ વર્ષ ૨૦૧૭ ની તુલનાએ વર્ષ ૨૦૧૮ ના ઉનાળુ વાવેતરમાં ચિંતાજનક કહી શકાય તેવો ઘટાડો નોંધાયો છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે વર્ષ ૨૦૧૭ ની તુલનાએ ૨૦૧૮ ના વર્ષમાં સચરાચર વરસાદ નોંધાયો હતો અને ટંકારા, માળીયા તાલુકામાં તો અતિવૃષ્ટિ થઈ હતી છતાં ઉનાળુ વાવેતર ઘટ્યું છે.

વર્ષ ૨૦૧૭ ના વર્ષ અને ૨૦૧૮ ના વર્ષના વાવેતરને તુલનાત્મક રીતે જોઈએ તો ૨૦૧૭ માં ઉનાળુ મગફળીનું વાવેતર ૪૪૦ હેકટરમાં થયું હતું જે ચાલુ વર્ષે ઘટીને ફક્ત ૨૯૭ હેકટર રહ્યું છે, એ જ રીતે ૨૦૧૭માં ૪૨૬૫ હેકટરમાં તલનું વિક્રમી વાવેતર થયું હતું જે ઓણસાલ માત્ર ૩૨૮ હેકટરમાં જ થયું છે.

- text

એકંદરે મોરબી જિલ્લાના જુદા – જુદા તાલુકાઓમાં ઉનાળુ વાવેતરની કુલ સ્થિતિ જોઈએ તો વર્ષ ૨૦૧૭ માં ૭૬૧૫ હેકટરમાં જુદા – જુદા પ્રકારના પાક ખેડૂતોએ વાવ્યા હતા જે વર્ષ ૨૦૧૮ માં સારા વરસાદ છતાં ઘટીને ૨૪૫૩ હેકટર થયું છે.

જિલ્લામાં ઉનાળુ વાવેતરની તુલનાત્મક સ્થિતિ (હેકટરમાં)

પાક (વર્ષ-2017) (વર્ષ-2018)
મગફળી – ૪૪૦    – ૨૯૭
બાજરી – ૨૮૦      – ૧૭૬
મગ – ૦૨૦         – ૦૬૮
તલ -૪૨૬૫         – ૩૨૮
ડુંગળી – ૧૩૬        – ૧૩૯
અડદ – ૧૦          – ૦૦૦
ગુવાર – ૪૯૦       – ૩૦૦
શાકભાજી – ૪૪૦   – ૩૫૫
તડબુચ – ૩૦        – ૨૦
ઘાસચારો- ૧૧૫૫  – ૮૬૦
અન્ય – ૨૫૦ –      ૦૦૦
—– ——– ———
કુલ      ૭૫૧૫       ૨૫૪૩

આમ, મોરબી જિલ્લામાં મોરબી, માળીયા મિયાણા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં ઓણ સાલ ચિક્કાર વરસાદ વરસવા છતાં પાણીની તંગી સર્જાતા ખેડૂતોના ઉનાળુ વાવેતરમાં ચિંતા જનક રીતે ઘટાડો નોંધાયો છે જેની પાછળ કુવા – બોરના તળ ઊંડા ઉતરવાની સાથે – સાથે નર્મદા યોજના સહિતની સિંચાઈ યોજનાનું પાણી ન મળતા ખેડૂતોની સાથે- સાથે સરકારને પણ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

- text