લાલ લાઈટ વાળી ગાડી સરવડના યુવાન માટે સફળતાનો જીવનમંત્ર બની !

- text


મોરબી જિલ્લા ના સરવડના યુવાને એક,બે નહિ ૩૨ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી

સામાન્ય ડ્રાઇવર દાદા અને પિતાનું સ્વપ્ન સાકાર કરી યુવાને મક્કમ પ્રયત્નો થકી સરકારી નોકરી માટેની પરીક્ષાઓ આસનીથી પાસ કરી !!

મોરબી : માળીયા તાલુકાના નાના એવા સરવડ ગામના સામાન્ય પરિવારના યુવાને લાલ લાઈટવાળી સરકારી અધિકારીની કચેરીની ગાડી ચલાવતા પોતાના દાદા અને પિતાના સ્વપ્નને સાકાર કરવા અથાગ મહેનતને જીવન મંત્ર બનાવી એક..બે..નહિ પરંતુ ૩૨ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી ઇતિહાસ સર્જ્યો છે, જો કે લાલ લાઈટ વાળી ગાડી હજુ આ યુવાનને નથી મળી પરંતુ પ્રયત્ન થકી સફળતાને માનતો આ યુવાન હજુ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી આ સ્વપ્ન પૂરું કરવાનો વિશ્વાસ ધરાવે છે.
મોરબી જિલ્લાના માળીયા-મિયાણા તાલુકામાં સરવડ નામનું એક ગામ છે. આ ગામમાં રહેતા ધીરુભાઇ ગોગરા ડ્રાઇવર તરીકે કામ કરીને એના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ધીરુભાઇના પિતાશ્રી મોમૈયાભાઇ પણ રાજકોટની જિલ્લા પંચાયત કચેરીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ધીરુભાઇના સંતાનો રજાઓના દિવસોમાં દાદાને મળવા અને રોકાવા માટે ઘણીવખત રાજકોટ આવતા હતા.

એકવખત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ધીરુભાઇનો મોટો દિકરો નિર્મળ દાદાને ત્યાં રોકાવા માટે રાજકોટ આવેલો. તે વખતે મોમૈયાભાઇ જિલ્લા વિકાસ અધિકારીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. જિલ્લા વિકાસ અધિકારીની ગાડી જોઇને પ્રભાવિત થયેલા નાનકડા નિર્મળે દાદાને પુછ્યુ, “દાદા, આ ગાડી બીજી સરકારી ગાડી કરતા જુદી કેમ છે ? આ તો લાલ લાઇટવાળી મસ્ત મજાની કાર છે.” દાદાએ સમજાવતા કહ્યુ, “બેટા, આ મોટા સાહેબની ગાડી છે. મને વધારે તો ખબર નથી પણ ભણી ગણીને મોટા સાહેબ બનવાની પરીક્ષા પાસ કરવી પડે પછી આવી ગાડી મળે.”

- text

વિદ્યાર્થી નિર્મળના મનમાં ત્યારથી એક સ્વપ્નબીજ રોપાયુ. મારે પણ મોટા સાહેબ બનવુ છે એવા સંકલ્પ સાથે સરવડ ગામની સરકારી શાળામાંથી જ પ્રાથમિક શિક્ષણ પુરુ કરી નિર્મળ આગળના શિક્ષણ માટે રાજકોટ આવ્યો. શિક્ષણ જેમ જેમ આગળ વધતુ ગયુ તેમ તેમ મોટા સાહેબ બનવાનું સપનું પણ વધુ સ્પષ્ટ થતું ગયુ. એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નિર્મળ ગોગરાએ એનું સંપૂર્ણ ધ્યાન સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી પર કેન્દ્રીત કર્યુ. ડ્રાઇવરનો પુત્ર અને પૌત્ર પણ જો ઇચ્છે તો એના સપનાને સાકાર કરી શકે એવા વિશ્વાસ સાથે નિર્મળે તનતોડ મહેનત શરુ કરી.

2011ના અંતીમ મહિનામાં તૈયારીઓ શરુ કરેલી એનું પ્રથમ ફળ માત્ર એક જ વર્ષમાં ચાખવા મળ્યું. 2012ના નવેમ્બર મહિનામાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા પાસ કરી. સપનું તો અધિકારી બનવાનું જ હતું એટલે સંતોષ માનીને બેસી રહેવાને બદલે આગળની પરીક્ષાઓની તૈયારી ચાલુ જ રાખી. નિર્મળની મહેનત રંગ લાવવા લાગી. આ છોકરાએ અત્યાર સુધીમાં એક કે બે નહીં પણ જુદી-જુદી 32 સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી. કેટલાક યુવાનો ફરીયાદ કરતા હોય છે કે અમને નોકરી મળતી નથી જ્યારે નિર્મળની સામે તો જુદી જુદી 32 જેટલી નોકરીઓ આવી. કઇ લેવી અને કઈ છોડવી એ પ્રશ્ન ઉભો થાય.

અત્યારે વેચાણવેરા વિભાગમાં વેચાણવેરા ઇન્સ્પેકટર તરીકે કામ કરતા નિર્મળ ગોગરાએ તાજેતરમાં નાણાવિભાગની જીપીએસસી દ્વારા લેવાયેલી હિસાબી અધિકારીની પરીક્ષા પણ પાસ કરી લીધી. હિસાબી અધિકારીની નોકરી મેળવીને પણ નિર્મળ ઝંપવાનો નથી કારણકે એનું સપનું તો લાલ લાઇટ વાળી ગાડીમાં બેસી શકે એવા મોટા સાહેબ બનવાનું છે.

હિસાબી અધિકારી બનવા બદલ નિર્મળ ગોગરાને અભિનંદન અને મોટા સાહેબ બનવા માટેની શુભેચ્છાઓ.

મિત્રો, માણસ હતાશ થયા વગર સતત પ્રયત્નો કરતો રહે તો એક દિવસ સફળતા એને વરવા માટે જરુરથી આવે છે એમાં શંકાને કોઇ સ્થાન નથી.

- text