ઉનાળાના પ્રારંભે જ ટંકારાના વિરવાવમાં પાણીની કારમી તંગી

- text


સાવડીથી વિરવાવ જવાના પથરાળ રસ્તાને નવો બનાવવા પણ રજુઆત

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની કારમી અછત સર્જાતા લોકોને અહીં તહીં ભટકી બેડું પાણી મળતું હોવાનું તેમજ ઢોર ઢાખરની હાલત દયનિય હોવાની ચોંકાવનારી રજુઆત ગ્રામજનો દ્વારા મામલતદારને કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરવાવ ( શક્તિનગર, આંબેડકર નગર) ગામમાં વર્ષોથી હીરાસર સંપ મારફતે દરરોજ એક કલાક પાણી આપવમાં આવતું હતું પરંતુ ચોમાસા બાદ આ પાણી આપવાનું સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે અને છેલ્લા એક માસથી તો પાણી આવતું જ ન હોય ગ્રામજનોને પીવાનું એક બેડું પાણી ભરવા માટે જોજનો દૂર ભટકવું પડે છે અને નાના બાળકોથી લઈ વૃધો પણ પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે.

- text

પંકજભાઈ મગનભાઈ ગજેરાની આગેવાનીમાં રજુઆત કરવા આવેલા ગ્રામજનોએ મામલતદારને ખેદ પૂર્વક જણાવ્યું હતું કે વર્ષો જૂની પાણી સમસ્યાને કારણે વિરવાવ ( શક્તિનગર ) ગામમાં કોઈ દીકરી આપતું નથી પરિણામે પાણીના કારણે દીકરા દીકરી વરતા ન હોવાનું પણ શરમ સાથે રજુઆતમાં જણાવ્યું હતું.

એ જ રીતે વિરવાવ ગમે આવન જાવન માટે ટંકારા ધ્રોલ હાઇવે પર સાવડી ગામથી શક્તિનગર વિરવાવ સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હોય અગાઉ થયેલી રજૂઆતો બાદ આ માર્ગ નવો બનાવવા કામ હાથ ધરાયેલ પરંતુ નવો રોડ બનવવાનો બદલે અહીં માસ મોટા પત્થરો નાખી દેવતા અહીંથી ચાલીને નીકળવું પણ દોહ્યલું બન્યું છે, આ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ અને રોજિંદા અપડાઉન કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તાકીદે નવો રોડ બનાવવા માંગ ઉઠવાઈ હતી.

આમ,ટંકારા તાલુકાના વિરવાવ શક્તિનગર ગામને વર્ષોથી અન્યાય થતો હોય ગામ સમસ્ત દ્વારા મામલતદારને પાણી અને રસ્તા પ્રશ્ને આવેદન પઠાવી આક્રમક રજુઆત કરવામાં આવી હતી.

- text