ફડસરના વ્યાજખોરે ૨ લાખના ૪૨ લાખ વસુલતા ભાવપરના પટેલ પ્રૌઢનો આપઘાત

- text


વ્યાજખોર શખ્સે ખેતર પણ લખાવી લેતા શારીરિક- માનસિક ત્રાસથી પટેલ પ્રોઢે ગળાફાંસો ખાઈ લીધો : વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો દાખલ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામે રહેતા પટેલ પ્રોઢે ફડસરના બોરીચા શખ્સ પાસેથી બે લાખ વ્યાજે લીધા બાદ ૪૨ લાખ રૂપિયા ચૂકવવા છતાં વ્યાજખોર શખ્સે શારીરિક- માનસિક ત્રાસ ગુજારી ખેતર લખાવી લેતા પટેલ પ્રોઢે આપઘાત કરી લેતા વ્યાજખોર વિરુદ્ધ મરવા મજબૂર કરવા અંગે ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામે રહેતા શૈલેષભાઇ મનહરભાઈ ઉર્ફે દામજીભાઈ ફુલતરિયાએ માળીયા પોલીસ મથકમાં ફડસર ગામના મહેશ નારણભાઇ ડાવેરા વિરુદ્ધ ચોકવનારી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને પિતા મનહરભાઈ ઉર્ફે દામજીભાઈ ફુલતરિયાએ ગત તા.૧ જાન્યુઆરીના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, આ આપઘાત પાછળ ફડસરનો મહેશ નારણ જવાબદાર હોવાનું જણાવી ફરિયાદી શૈલેશભાઈએ સ્યુસાઇડ નોટ પોલીસને સુપરત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

- text

મૃતકે લખેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ મનહરભાઈ ઉર્ફે દામજીભાઈએ ફડસરના મહેશ નારણ ડાવેરા પાસેથી ૨ લાખ વ્યાજે લીધા હતા અને કટકે કટકે વ્યાજ સહિત રૂપિયા ૪૨ લાખ મહેશને ચૂકવવા છતાં વ્યાજખાવ મહેશે દામજીભાઈને શારીરિક માનસિક ત્રાસ આપી ધાકધમકી આપી ખેતર પણ લખાવી લેતા દામજીભાઈએ ગળાફાંસો ખાઈ ગત તારીખ ૧ જાન્યુઆરીના રોજ મોત વ્હાલું કર્યું હતું.

આ મામલે ફરિયાદી શૈલેષભાઇ ફુલતરિયાની ફરિયાદના આધારે માળીયા પોલીસે વ્યાજખોર મહેશ નારણ ડાવેરા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૬ તેમજ ભારતીય સવિધાનની નાણાં ધીરધારની કલમ ૫/૩૩-૩૪ મુજબ ગુન્હો દાખલ કરી વ્યાજખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ચોકવનારી ઘટના મામલે માળીયાના કડક પીએસઆઇ જે.ડી.ઝાલાએ તપાસનો દોર હાથમાં લેતા અન્ય વ્યાજખોરોમાં પણ ફફડાટ મચી ગયો છે.

- text