ઇન્ટરનેટથી ઇવીએમ હેક થતા હોય ૧૮મીએ નેટબંધી : ખોટો મેસેજ વાયરલ થતા તંત્રમાં દોડધામ

- text


ચૂંટણીપંચ અને પડધરી મામલતદાર કચેરીના નામે વાયરલ થયેલો મેસેજ ખોટો : જિલ્લા કલેકટર મોરબી
મોરબી : આગામી ૧૮ મીએ મતગણતરી સમયે તમામ મોબાઈલ કંપનીના નેટ બંધ રાખવા ડે.ઇલેક્શન કમિશનર ગુજરાત રાજ્યના નામનો ખોટો મેસેજ વાયરલ થતા નેટબંધીને લઈ લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ ઉઠવા પામતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે આ મેસેજને ફેક ગણાવી ચૂંટણીપંચની આવી કોઇ જ સૂચના ન હોવાની સ્પષ્ટતા કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરથી વોટ્સએપ અને ફેસબુક સહિતના સોશ્યલ મીડિયામાં આગામી ૧૮મીએ મતગણત્રીના દિવસે ઇવીએમ ઇન્ટરનેટથી હેક થતા હોય નેટબંધી કરવા ચૂંટણીપંચ દ્વારા આદેશ આપવામાં આવ્યા હોવાનો પડધરી મામલતદાર કચેરીને પાઠવવામાં આવેલો પત્ર વાયરલ થયો હતો.

- text

આ પત્ર મુજબ ચૂંટણી પંચ દ્વારા મામલતદાર તંત્રને જુદી-જુદી કંપનીઓના ઈન્ટરનેટના માધ્યમથી ઇવીએમ હેક થતા હોય સાવચેતીના પગલાં ભરવા તમામ કંપનીઓના મોબાઈલ નેટવર્ક બંધ રાખવા આદેશ કર્યો હતો પડધરી મામલતદાર કચેરીમાં ઇનવર્ડ થયેલો આ પત્ર દે.ઇલેક્શન કમિશનર પરમારની સહીથી ઈશ્યુ કરાયો છે.પરંતુ હકીકતમાં કોઈ ટીખળખોર દ્વારા આ બોગસ પત્ર તૈયાર કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

દરમિયાન આ બાબતે જિલ્લા કલેકટર મોરબી આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે નેટબંધીને લાગતો પત્ર સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે તેવી કોઈ જ સૂચના સતાવાર રીતે આપવામાં આવી નથી આ માત્રને માત્ર અફવા જ છે.

આમ, મતગણત્રીના દિવસે નેટબંધીને લઈ ફેક લેટર સોશ્યલ મીડિયામાં ફરતો થતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી હતી પરંતુ સતાવાર સૂત્રોએ આ બોગસપત્રની વાતનું ખંડન કર્યુ છે.

- text