૧૪ જાન્યુઆરીથી મોરબીમાં ફક્ત રૂપિયા ૮૦૦ માં ડાયાલીસીસ

- text


લાયન્સ કલબ દ્વારા સ્વામિનારાયણ મંદિર સનાળા રોડ ખાતે હોસ્પિટલમાં રાહતદરે સુવિધા

મોરબી : મોરબી શહેર જિલ્લામાં કીડનીના દર્દીઓની વધી રહેલી સંખ્યા જોતા લાયન્સ ક્લબ દ્વારા સ્વામિનારાયણ મંદિર સનાળા રોડના સહયોગથી આગામી ૧૪ જાન્યુઆરીથી ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જેના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત બીગતો મુજબ મોરબી શહેરમાં તથા આજુબાજુના વિસ્તારોમાં કીડની દર્દીઓનું પ્રમાણ ખૂબ મોટી સંખ્યામાં છે અને આ દર્દીઓને અઠવાડિયામાં ત્રણ-ત્રણ વખત ડાયાલીસીસ કરાવવાની જરૂર પડતી હોય, દર્દીઓને રાજકોટ ધક્કો ખાવો પડે છે અને એક વખત ડાયાલીસીસ કરવાના ૧૫૦૦ થી ૨૩૦૦ ચૂકવવા પડે છે, જેથી મોરબીના દર્દીઓને રાહત દરે એટલે કે ફક્ત ૮૦૦ રૂપિયામાં ડાયાલીસીસ થઈ શકે તેવા ઉમદા હેતુથી ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

લાયન્સ ક્લબ મોરબી દ્વારા મોરબીમાં કીડની ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે મોરબી શહેરમાં આગામી તા. ૨૭-૧૨ થી ૦૨-૦૧ દરમિયાન ૧૦૮ પોથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન ગાંધી ગ્રાઉન્ડ, સમય ગેઇટ પાસે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ બપોરે ૩ થી ૬ કલાકે સપ્તાહનું રસપાન અને રાત્રીના ૯ થી ૧૨ દરમીયાન બજરંગ ધૂન મંડળ અને ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા ભજન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.

- text

વધુમાં લાયન્સ ક્લબ દ્વારા મોરબી ખાતે પાંચ મશીનથી કીડની ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે જેમાં રૂ.૮૦૦ ચાર્જ લઈને તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને નિશુલ્ક ડાયાલીસીસ કરી આપવામાં આવશે. કીડની ડાયાલીસીસ સેન્ટરનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે અને ખર્ચને પહોંચી વળવા માટે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે.

ઉલ્લેખનીય છે કે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર આવેલું છે પરંતુ મોટા ભાગે મશીન બંધ હોય દર્દીઓને રાજકોટના ધક્કા ખાવા પડે છે,ઉલ્લેખનીય છે કે એક વર્ષ બાદ સરકારની ગ્રાન્ટ મળ્યે લાયન્સ ક્લબ દ્વારા વિનામૂલ્યે ડાયાલીસીસ કરી આપવાની પણ આયોજકોએ તૈયારી દર્શાવી હતી.

કીડની ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે આયોજિત ભાગવત સપ્તાહને સફળ બનાવવા ચંદ્રકાંતભાઈ દફતરી, રામજીભાઈ દેત્રોજા અને મોરબી લાયન્સ ક્લબના પ્રમુખ તુષારભાઈ દફતરી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

- text