પીઆઇ સોનારાની બદલી થશે તો આહીર સમાજ કોઈ કાળે સાંખી નહીં લે : ભરત જારીયા

- text


લુખ્ખા અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપવા કોંગ્રેસ પીઆઇ સોનારા સામે પાયાવિહીન આક્ષેપો કરી રહી છે : ભાજપ આગેવાન અને પાલિકાના ઉપપ્રમુખ ભરત જારીયાએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપો : નાગડવાસ ના માજી સરપંચે પણ આ મુદ્દે ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબી કોંગ્રેસ દ્વારા એ ડિવિઝન પીઆઇ ભાજપ તરફી હોવાનો આરોપ લગાવી બદલી કરવા માંગ કરતા મોરબી પાલિકા ઉપપ્રમુખ ભરતભાઈ સામતભાઈ જારીયાએ કોંગ્રેસની આ માંગને સખત શબ્દોમાં વખોડી કાઢી કોંગ્રેસને દુઃખે છે પેય અને કુટે છે માથું તેવું જણાવી જો પીઆઇ સોનારાની બદલી થશે તો આહીર સમાજ શાખી નહિ લે તેવું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

મોરબી પાલિકા પ્રમુખ ભરતભાઈ સામતભાઈ જારીયાએ સીટી એ ડિવિઝન પીઆઇ સોનારા વિરુદ્ધ કરવામાં આવેલા પાયાવિહીન આક્ષેપોને સમસ્ત આહીર સમાજવતી વખોડી કાઢી જણાવ્યું હતું કે પીઆઇશ્રી સોનારાની છેલ્લા ૨ વરસમાં ત્રણ વખત બદલી થઈ છે,અને મોરબીના વિવિધ સંગઠનો,જ્ઞાતિઓ અને એસોસિએશનની રજૂઆતો ધ્યાને લઇ મોરબીમાં લુખ્ખાતત્વોને કાબુમાં રાખવા તેમની નિમણુંક થઈ છે જે મોરબીની શાંત અને સમજુ જનતા સારી રીતે જાણે છે.
પરંતુ કોંગ્રેસને દુઃખે છે પેટ અને કુટે છે માથું ઉક્તિ મુજબ લુખ્ખાતત્વોનો સાથ લઈ ચૂંટણી જીતવા મનસૂબા જોઈ રહી છે પરંતુ કોંગ્રેસ પક્ષના આ રાજકારણનો ભોગ મોરબી આહીર સમાજના નિષ્ઠાવાન,નિષ્પક્ષ અને નીડરતા કામગીરી કરી રહેલા પીઆઇ સોનારાને બનવા નહિ દે,અને આ અંગે શ્રી કૃષ્ણના માર્ગે ચાલી સમાજનો એક એક યુવાન અર્જુન બની કોંગ્રેસ ઉપર ત્રાટકશે અને આહીર સમાજ ગામડે ગામડે જઇ કાર્યદક્ષ અધિકારીને અન્યન થાય તે માટે સત્યવાત રજુ કરી કોંગ્રેસની મેલી રાજ રમતનો પર્દાફાશ કરી જરૂર પડ્યે કોંગ્રેસ પક્ષને ગામડે પગ પણ મુકવા નહિ દે અને “રા” માટે જેમ જૂનાગઢના કાંગરા ખેરવી નાખ્યા હતા તેવી રીતે કોંગ્રેસના કાંગરા ઉખાડી ફેંકવા આહીર સમાજના અર્જુનો પાછી પાની નહિ કરે.
વધુમાં કોંગ્રેસને શાનમાં સમજી જવા જણાવી સમસ્ત આહીર સમાજ વતી તેઓએ જણાવ્યું હતું કે જરૂર પડ્યે આ મુદ્દે આહીર સમાજ મહાસમેલન બોલાવશે,જો કોંગ્રેસને પીઆઇ સોનારાની કાર્યપધ્ધતિમાં પક્ષપાત દેખાતો હોય તો તેમનાથી ઉપરી અધિકારીઓ ડીવાયએસપી,એસપી,રેન્જ આઈજીને રજુઆત કરવી જોઈએ પરંતુ કોંગ્રેસે આવું ન કરતા માત્રને માત્ર ગામમાં લુખ્ખા તત્વોને અને તે આધારે ચૂંટણીમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા આચરવામાં આવેલ છે.જેની આહીર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
કોંગ્રેસ પક્ષ એ બાબત સારી રીતે જાણે છે કે પીઆઇ સોનારાની પુનઃ નિમણુંક પહેલા મોરબીમાં આવરાતત્વોને ખુલ્લો દૌર મળેલ અને શહેરમાં અકારણ અજંપો પ્રવર્તેલ શુ કોંગ્રેસપક્ષ પોતાના રાજકારણ માટે એક નિષ્પક્ષ અને કાયદાકીય જોગવાઈ મુજબ કામગીરી કરતા અને ફરજપ્રત્યે હંમેશા વફાદાર રહેતા અધિકારી શ્રી સોનારાનો ભોગ લેવા માંગતા હોય તો તે આહીર સમાજ કોઈ પણ સંજોગોમાં શાખી નહિ લે અને શહેરને પુનઃ લુખ્ખા તત્વોને હવાલે થવા નહિ દે તેવી સ્પષ્ટ ચીમકી મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ અને આહીર સમાજના અગ્રણી ભરતભાઈ સામતભાઈ જારીયાએ અંતમાં ઉચ્ચારી હતી.

- text

નાગડાવાસના માજી સરપંચ દ્વારા કોંગ્રેસને પ્રચાર માટે ગામમાં નહિ ઘુસવા દેવાની ચીમકી

મોરબી તાલુકાના નાગડાવાસના પૂર્વ સરપંચ વસંતભાઈ (વસાભાઈ) રાણાભાઈ આહીરે ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોએ પ્રેસ કોંફરન્સ યોજી એ ડિવિઝન પીઆઇ સોનારા વિરુદ્ધ આક્ષેપો કરેલા છે તે પાયા વિહોણા છે.વધુમાં તેઓ પોતે કોંગ્રેસ અગ્રણી હોવાનું જણાવી કહ્યું હતું કે હકીકતમાં પીઆઇ સોનારાએ મોરબીને ગુન્હેગાર મુક્ત બનાવ્યું છે.અગાઉ જ્યારે પીઆઇ સોનારાની બદલી થઈ હતી ત્યારે મોરબી શહેરના વેપારીઓએ આંદોલન છેડયું હતું એ વાતને યાદ કરાવી કોઈપણ સંજોગોમાં આવા ફરજ નિષ્ઠ અધિકારીની બદલી નહિ કરવા માંગ ઉઠાવી હતી. અંતમાં જો કોંગ્રેસ આવા સાચા અને સારા અધિકારીની બદલી કરાવશે તો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને નાગડાવાસ ખાતે ચૂંટણી પ્રચાર માટે પણ પ્રવેશવા નહિ દેવા ચીમકી ઉચ્ચારી હતી.

- text