લજાઈમાં ગૌ સેવા માટે યોજાયું નાટક : સાડા આઠ લાખનો ફાળો એકત્રિત

- text


નિરાધાર,અંધ,અપંગ ગાયો ના લાભાર્થે છેલ્લા ૫૦ વર્ષથી યોજાય છે નાટક

મોરબી:હોલીવુડ,બૉલીવુડ,ટેલિવુડ અને ઈન્ટરનેટના આજના જમાનામાં પણ મોરબી જિલ્લામાં નાટ્યકલા અખંડ રહી છે,મોરબી નજીક છેલ્લા ૫૦ વરસથી ગૌસેવાના લાભાર્થે નવરાત્રીમાં નાટક યોજવાની પરંપરા ચાલી આવે છે જેમાં આ વરસે દક્ષ યજ્ઞ યાને ઉમા સતીનો અગ્નિ પ્રવેશ નામનું નાટક યોજાયું હતું અને નાટક થકી એક જ રાત્રીમાં સાડા આઠ લાખનો ફાળો એકત્રિત થયો હતો.

- text

લજાઈ ખાતે આવેલ કામધેનુ વિસામો નામની ગૌશાળાના સ્થાપક સોહમદત બાપુના જણાવ્યા મુજબ ૫૦ વર્ષ પહેલાં ગામા ગૌશાળાની સ્થપના કરી અમારી ગાયો કદી કતલખાને નહિ જાય તેવો સંકલ્પ કરાયો હતો,ગ્રામજનોના સેવા-સહકાર ને કારણે આજે કામધેનુ ગૌશાળામાં અંધ,અપંગ,માંદી અને અશક્ત ૨૦૦ ગાયોનો નિભાવ થાય છે.શરુઆતથી જ ગાયોના નિભાવ માટે નવરાત્રીમાં નાટક યોજવાનું નક્કી કરી એમાંથી થતી આવકમાંથી ગાયોનો નિભાવ કરવા નક્કી કરાયું હતું અને આજે ૫૦ વર્ષ બાદ પણ ગ્રામજનોના સાથ-સહકારથી નાટકની પરંપરા જળવાયેલી છે.
દરવર્ષે નવરાત્રીમાં ઐતિહાસિક પ્રાચીન નાટકનું આયોજન કરવામાં આવે છે જે નાટક કામધેનુ ગૌશાળાના સ્થાપક સોહમદત બાપુ ખુદ જાતે જ લખે છે,અને ગામના શિક્ષિત યુવાનો,ઉદ્યોગપતિઓ સહિતના સમાજના શ્રેષ્ઠીઓ કોઈપણ છોછ વગર બખૂબીથી પોતપોતાના પાત્રો ભજવે છે.
આ નાયકમાં ગામના યુવાનો જ સ્ત્રી પાત્રો પણ નિપુણતાથી ભજવે છે,ગામના નવયુવાનો નાટયકલામાં એટલા માહેર થઈ ગયા છે કે તેઓને ટેલિફિલ્મ સહિતની સારી સારી ઓફરો આવે છે પરંતુ આ યુવાનો માત્ર ગૌસેવા માટે જ નાટકમાં ભાગ ભજવતા હોવાનું જણાવી ને આવી ઓફરો ઠુકરાવી દે છે.લજાઈ ગામે યોજાતા નાટકો એટલા લોકપ્રિય બન્યા છે કે અહીં નાટક જોવા માટે આજુબાજુના ગામો અને દૂર દરાજથી પણ એટલા મહેમાનો ખાસ આ નાટક નિહાળવા આવે છે અને ગૌસેવા માટે ઉદાર હાથે ફાળો નોંધાવે છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં યોજાતા આ નાટક ને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે અને ગામની બહેનો દીકરીઓ સાતમ-આઠમ નો તહેવાર કરવા પિયર આવે કે ન આવે પરંતુ નવરાત્રીના નાટક સમયે તો અચૂક પને પોતાના પરિવાર સાથે આવી વર્ષોથી ચાલી આવતો આ પરંપરામાં સહભાગી બને છે.

 

- text