મોરબીની સિવિલ હોસ્પિટલ માથે લેતો દારૂડિયો

- text


કલાકો સુધી સિવિલમાં ગાળોનો વરસાદ વરસાવનાર દારૂડિયા સામે સિવિલ સતાવાળા લાચાર

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રના પાપે રોજે રોજ અવનવા બનાવો બનતા રહે છે. જેમાં ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાએ આંતક મચાવી કલાકો સુધી ગાળોનો વરસાદ વરસાવ્યો હોવા છતાં સિવિલ સત્તાવાળાઓએ મૂંગા મોઢે તમાશો નિહાળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે મોરબી સિવિલ હોસ્પિટલમાં એક દારૂડિયો ઘુસી આવ્યો હતો અને ઇમરજન્સી વોર્ડ આગળ જ અડીંગો જમાવી બેફામ ગાલી-ગલોચ કરી ફરજ પરના તબીબો અને સિવિલ સર્જનને પણ મન પડે તેવી ગાળો ભાંડી હતી. સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં થઈ રહેલા ગાલી ગલોચને કારણે મહિલા અને પુરુષ દર્દીઓ તથા દર્દીઓના સગાવાહલાઓ હતપ્રભ બની ગયા હતા, કલાકો સુધી આ દારૂડિયાએ ખેલ ચાલુ રાખ્યા હોવા છતાં સિવિલ હોસ્પિટલના કાગળ ઉપરના એક પણ સિક્યુરિટી મેન કે અન્ય કોઈ સત્તાધીશોએ આ બેવડાને અહીંથી કાઢી મુકવાની કે પોલીસને જાણ કરવાની તસ્દી સુધા લીધી નહતી.
ઉલ્લેખનીય છે કે સિવિલ સર્જનની ઢીલી નીતિને કારણે અહીં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે,રસ્તે રઝળતા ઢોરને પણ સિવિલ સર્જનની નબળાઈ ખબર પડી ગઈ હોય સિવિલના ગાયનેક વોર્ડમાં દર્દીઓને બદલે ગાય-ખુટિયા સારવાર લેવા આવતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

- text