અમેરિકાના બે છાત્રોએ મચ્છુ હોનારત અંગે સંશોધનાત્મક પુસ્તક લખી ડેમ તૂટવાના સાચા કારણો ઉજાગર કર્યા

- text


ઉત્પલ સાંડેસરા અને ટોમ વુટને લખેલા “નો વન હેડ એ ટંગ ટુ સ્પીક” (એંગ્રેજી) અને “ઝીલોરે મચ્છુનો પડકાર” (ગુજરાતી અનુવાદ) પુસ્તકમાં આ ઘટનાની ઝીણવટભરી માહિતી રજુ કરાઈ છે

મોરબી : ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસે ગુજરાતમાં દસ દિવસના એકધારા વરસાદ પછી, ચાર કિલોમીટર લાંબો મચ્છુ બંધ-૨ના માટીના પાળા તૂટી ગયા. બંધના વિશાળ જળાશયમાંથી છૂટેલા ઘોડાપૂરે નીચાવાસમાં આવેલાં મોરબી શહેર અને આસપાસના અનેક ગામડાઓમાં ભયંકર તારાજી કરી. વિશાળ પુલો અને કારખાનાં તૂટી ગયાં, અને હજારો મકાન ધરાશય થઇ ગયાં. આ હોનારતનો મૃત્યુઆંક ચોક્કસ નક્કી થઇ ગઈ શક્યો નથી, પણ આશરે ૫.૦૦૦ થી ૧૦.૦૦૦ની વચ્ચે ગણવામાં આવે છે. આટલા મોટા પાયા પર હોનારત થઇ, તેમ છતાં તેના વિષે ઘણા ઓછા લોકો પાસે વિગતવાર માહિતીની જાણ છે.
ત્યારે મૂળ ભારતીય અને હાલ અમેરિકા રહેતા ઉત્પલ સાંડેસરા અને ટોમ વુટન નામના અમેરિકાના બે સાહસિક વિદ્યાર્થીઓએ મચ્છુ જળ હોનારત અંગે સંશોધન કરી પુસ્તક લખ્યું અને તેમાં અનેક માહિતી અને ડેમ તૂટવાના સાચા કારણોને પ્રથમ વખત ઉજાગર કર્યા. આ પુસ્તકની શરૂઆત ૨૬ ડીસેમ્બર ૨૦૦૪ના દિવસે થઇ જ્યારે એક હોનારતે બીજી હોનારતની યાદને તાજી કરી. અઢાર વર્ષના એન.આર.આઈ. ઉત્પલ સાંડેસરા તેમના કુટુંબ સાથે ન્યુ જર્સીમાં હિન્દી મહાસાગરની ત્સુનામીના સમાચાર ટી.વી. પર જોતા હતા. તેમની માની આંખોમાં આંસુ આવી ગયાં, અને તે બોલ્યા, “આ જોઈને મને ૧૯૭૯નિ હોનારત યાદ આવે છે.” સાંડેસરા જાણતા હતા કે એમના માનો આખો પરિવાર સૌરાષ્ટ્રમાં એક મહાજળહોનારતના અનુભવમાંથી પસાર થયો હતો, પણ એમણે કડી તેના વિષે વિગતવાર વાત ન હતી કરી. સાંડેસરાને રસ પડ્યો, તેમણે વધારે તપાસ કરી, પણ આ વિષે ખાસ માહિતી મળી નહિ. તે યાદ કરે છે કે, “ત્યારે હું અઢાર વર્ષનો તરવરિયો જુવાન હતો. મેં મારા માતા-પિતાને કહ્યું કે, ‘મારે આ વિષય ઉપર સંશોધન કરવું છે, અને બને તો એક પુસ્તક તૈયાર કરવું છે.’”
ત્યારે સાંડેસરાનો હાર્વર્ડ યુનિવર્સીટીમાં પહેલા વર્ષનો અભ્યાસ ચાલતો હતો. એમણે તેમના કોલેજના મિત્ર ટોમ વૂટનને પણ આ સંશોધનમાં જોડાવાનો પ્રસ્તાવ કર્યો. વૂટન કહે છે કે, “મને આ વાત ખુબ રસપ્રદ લાગી. મેં વિચાર્યું કે આ તો એક સાહસ બનશે.”
હાર્વર્ડ તરફથી સંશોધન અનુદાન મેળવીને સાંડેસરા અને વૂટને જુનથી ઓગસ્ટ ૨૦૦૬ દરમિયાન મોરબી-માળિયા, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, અને નવી દિલ્લીમાં સંશોધન કર્યું. સાંડેસરાની બહેન ઇશાની અને સ્થાનિક પત્રકાર શ્રી. દિલીપભાઈ બરાસરાની મદદ લઈને તેમણે સરકારી અધિકારીઓ, રાહત કર્મચારીઓ, અને મોરબી-માલિયાની અનેક પૂરગ્રસ્ત વ્યક્તિઓની મુલાકાત લીધી. તેમણે સમાચારપત્રોના લેખો અને ટેકનીકી અહેવાલોથી માંડીને તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી. બાબુભાઈ પટેલની અંગત ડાયરી જેવા હજારો દસ્તાવેજો પણ એકઠા કર્યા.
સંશોધન દરમિયાન યુવાન લેખકો મુખ્ય મંત્રી શ્રી. નરેન્દ્ર મોદીને પણ મળ્યા. શ્રી. મોદી હોનારત પછી રાહત કામમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા, અને તેમણે સાંડેસરા અને વૂટનને મહત્વના સરકારી દસ્તાવેજો જોવાની અભૂતપૂર્વ મંજૂરી આપી, જેથી તેઓ હોનારતનો સંપૂર્ણ ઇતિહાસ લખી શક્યા.

- text

પુસ્તકમાં પ્રથમ વખત મચ્છુ – 2 ડેમ તૂટવાના સાચા કારણો રજુ કરાયા

લેખકોના ઝીણવટભર્યા સંશોધનને આધારે, પુસ્તક મચ્છુ જળહોનારતની પહેલા અને પછીની સરકારની નિષ્ફળતા વિષે મહત્વની વિગતો આપે છે. પુસ્તક પહેલી જ વાર હોનારતનું સાચું કારણ જાહેર જનતાને દર્શાવે છે. ક્ષમતાની અયોગ્ય ગણતરીને કારણે મચ્છુ બંધ-૨ના માટીના પાળા પરથી પાણી છલકાવાથી પાળા તૂટી ગયા. કેન્દ્રિય સરકારની અનેક ચેતવણીઓ છતાં, રાજ્ય સરકારના ઈજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહત્તમ શક્ય આવકની ગણતરી કરવામાં જૂની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બંધના દરવાજાઓની પાણી છોડવાની ક્ષમતા દર સેકંડે ૨.૨ લાખ ઘન ફૂટની હતી. પણ હોનારતના આગલા દિવસે જળાશયમાં પાણીની આવક પ્રતિ સેકંડ ૪ લાખ ઘન ફૂટથી વધુ હતી. હોનારતનું મૂળ કારણ કુદરતી પ્રકોપ ન હતો, જે તત્કાલીન સરકારનો દાવો હતો, કે દરવાજાના સંચાલનની ખામી પણ ન હતી, જે અત્યાર સુધી મોરબીવાસીઓની માન્યતા છે, પણ હકીકતમાં ઈજનેરોની તદ્દન ખોટી ગણતરી હતી. ઉપરાંત, આ પુસ્તક એ હકીકતને પ્રકાશમાં લાવે છે, કે મોરબી-માળિયાની પ્રજાને સમયસર ચેતવણી આપવામાં ન હતી આવી તેને કારણે હોનારતની જાનહાનીનો આંકડો આટલો ઉંચો હતો. ટેલીફોન અને તારની સુવિધા બગડી ગયેલી હોવાથી બંધ ઉપરના કામદારો બીજા કોઈનો સંપર્ક સાંધી શકે તેમ ન હતું. સમયસર ચેતવણી આપીને લોકોને ઉંચા વિસ્તારમાં ખસેડી શકાયા હોત, પણ સંપર્ક સાંધવાના સાધનોની અપૂરતી જાળવણીને કારણે બંધના નીચાવાસમાં રહેતા લોકોનો સંપર્ક થઇ શક્યો નહિ.
પુસ્તક તપાસ પંચની પણ કરુણ વાત કરે છે. અઢાર મહિના સુધી પંચના અધિકારીઓએ બંધ તૂટવાનાં ટેકનીકી કારણો અને નીચાવાસની પ્રજાને ચેતવણી આપવાના પ્રયાસો પૂરતા હતા કે નહિ તેના માટે પુરાવા ભેગા કર્યા. પછી જયારે તપાસ સિંચાઇ વિભાગની ખામીવાળી પદ્ધતિઓ તરફ વળી ત્યારે ઈજનેરોએ તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી માધવસિંહ સોલંકીને ફરિયાદ કરી. શ્રી સોલંકીએ પંચ આટોપી લીધું, જેથી તેનું કામ કાયમ માટે અધૂરું રહી ગયું. ૧૯૯૦ સુધીમાં મચ્છુ બંધ-નું ફરીથી બાંધકામ પૂરું થઇ ગયું હતું, છતાં મોરબી-માળિયાની પ્રજાને હજી પણ ખબર ન હતી પડી કે કયાં કારણોસર તેમના પ્રિયજનો હોનારતનો ભોગ બન્યા હતા.
હોનારતને લગતા અન્યાયોની વાત ઉપરાંત આ પુસ્તક હોનારતમાંથી બચેલા લોકોના અનુભવો તેમના પોતાના શબ્દોમાં રજુ કરે છે. આ પુસ્તકમાં દસ મીટર ઉંચી પાણીની દીવાલથી બચવા લોકો કેવી રીતે ભાગદોડ કરીને છાપરાં, ટેકરીઓ જેવા સલામત સ્થળોએ ચઢી ગયા તેનું તેમના જ શબ્દોમાં આબેહુબ વર્ણન અપાયું છે. પૂરથી બચવા ઝાડને વળગેલી માતાઓને તેમનાં બાળકોને ધસમસતાં પાણીમાં છોડી દેવાની ફરજ પડી હતી. જ્યારે વજેપરનું રામ મંદિર ડૂબી ગયું ત્યારે સોથી પણ વધારે માણસો ભોગ બન્યા હતા. આંખના એક પલકામાં હજારો લોકોએ તેમનાં માં-બાપ, જીવન સાથી, બાળકો, અને મિત્રોને ગુમાવ્યા હતા.
આ પુસ્તકમાં અદ્ભુત રીતે બચી ગયેલા લોકોની વાતો પણ છે. કમરથી નીચે લકવાથી અપંગ થઇ ગયેલી એક સ્ત્રી તગારાંમાં બેસીને પૂરનાં પાણી ઉપર તરતી રહી હતી. સ્થાનિક જેલના એક યુવાન, જોરાવર કેદી ગંગારામ ટપુએ ધસમસતાં પાણીમાં ઝંપલાવીને જીવના જોખમે વીસથી પણ વધારે તણાતા લોકોને બચાવ્યા હતા; આને કારણે તેમની સજા માફ થઇ હતી.
આ પુસ્તક મચ્છુ જળહોનારતની કહાણી સંપૂર્ણ કરવા સ્વયંસેવકો, સરકારી અધિકારીઓ, અને સામાન્ય નાગરિકોના પૂર પછીના પુરુષાર્થનું વર્ણન કરે છે. દિવસો સુધી સેંકડો સ્વયંસેવકો મોરબીની કીચડભરી શેરીઓમાંથી સડતી લાશો કાઢવાની અવિરત જહેમત ઉઠાવી હતી. રાજકોટ જીલ્લા કલેક્ટર શ્રી. એ. આર. બેનર્જીએ ઘણા અઠવાડિયા દરમ્યાન કુશળતાપૂર્વક રાહતકામનો વહીવટ કર્યો હતો, પણ પછી રાજકારણીઓની નિષ્ફળતાની ટીકા કરતો અહેવાલ લખવા બદલ એમની કારકિર્દીને હાની પહોંચી હતી. આડંબર વગરના અને જનસેવાભાવી મુખ્ય મંત્રી શ્રી. બાબુભાઈ પટેલે તેમના આખા મંત્રી મંડળ સાથે મોરબીમાં રાહતકાર્ય પર દેખરેખ રાખવા એક મહિનો ગાળ્યો હતો.

- text